વિડિયો દર્શાવે છે કે મસ્ક પોતાની જ મસ્તીમાં મગ્ન છે, તેઓ એ ભૂલી ગયા છે કે તેમની બાજુમાં અમેરિકાના પ્રેસિડન્ટ બેઠા છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ફ્લૉરિડાના પામ બીચ પર આવેલા તેમના માર-એ-લાગો નિવાસસ્થાને ૧૫ માર્ચે રાખેલા ડિનરમાં ટેસ્લા અને સ્પેસઍક્સ કંપનીના માલિક ઈલૉન મસ્ક નાના બાળકની જેમ એક આંગળી પર કાંટો અને ચમચી બૅલૅન્સ કરતા નજરે પડ્યા હતા. આ ઘટનાનો વાઇરલ થયેલો વિડિયો દર્શાવે છે કે મસ્ક પોતાની જ મસ્તીમાં મગ્ન છે, તેઓ એ ભૂલી ગયા છે કે તેમની બાજુમાં અમેરિકાના પ્રેસિડન્ટ બેઠા છે.
આ હાઈ પ્રોફાઇલ ડિનરમાં જવા માટે એક વ્યક્તિ માટેની એન્ટ્રી-ફી એક મિલ્યન ડૉલર (આશરે ૮.૭૦ કરોડ રૂપિયા) રાખવામાં આવી હતી. આ ડિનરમાંથી મળનારી રકમ ટ્રમ્પના મેક અમેરિકા ગ્રેટ અગેન PACને જશે, જેણે ટ્રમ્પને ચૂંટણી લડતી વખતે ડોનેશન આપ્યું હતું. આ કૅન્ડલલાઇટ ડિનર રાખવાનો કોઈ એજન્ડા નહોતો. આ ડિનરમાં અમેરિકાના પાવરફુલ લોકો આવ્યા હતા. ઈલૉન મસ્ક તેમની પાર્ટનર શિવોન ઝિલીસ સાથે હાજર રહ્યા હતા, પણ મસ્ક તેમની જ દુનિયામાં મસ્ત દેખાયા હતા.
ADVERTISEMENT
કોઈ વાતચીતમાં મશગૂલ થવાને બદલે ઈલૉન મસ્ક ટેબલ પર મૂકવામાં આવેલાં ચાંદીનાં વાસણોમાંથી કાંટો અને ચમચી તેમની આંગળી પર સંતુલિત કરવામાં વ્યસ્ત છે. આ વિડિયો વાઇરલ થયા બાદ મસ્કે સ્પષ્ટતા કરી હતી કે મારી આંગળીના ટેરવે એક કાંટો અને બે ચમચી સંતુલિત થઈ છે.
મસ્કની આ હરકત સોશ્યલ મીડિયામાં છવાઈ ગઈ છે. કેટલાક લોકો આનાથી પ્રભાવિત થયા નથી, પણ ઘણા લોકોએ આ વાતને વખાણી છે કે મસ્કમાં હજી એક બાળક જીવંત છે. એક યુઝરે મજાકના સ્વરમાં લખ્યું હતું કે તમે સાત વર્ષના હો ત્યારે આ મુશ્કેલ છે, હવે મસ્ક નાક પર ચમચીઓ બૅલૅન્સ કરવાની યુક્તિ કરશે.

