ટેસ્લાના સ્ટૉકમાં તાજેતરમાં ઘટાડાના પગલે આ અબજોપતિની નેટવર્થમાં ૧૧,૩૩૬.૭૬ અબજનો ઘટાડો થયો
ફાઇલ તસવીર
વૉશિંગ્ટન : ટ્વિટરના નવા બૉસ ઇલૉન મસ્કને ૨૦૦ અબજ ડૉલર (૧૬,૫૫૦ અબજ રૂપિયા)નું નુકસાન થયું છે. આટલી મોટી રકમનું લૉસ સહન કરનાર તેઓ ઇતિહાસમાં સૌપ્રથમ વ્યક્તિ બન્યા છે. ૨૦૦ અબજ ડૉલર (૧૬,૫૫૦ અબજ રૂપિયા)થી વધુની વ્યક્તિગત સંપત્તિ ધરાવનાર જેફ બેઝોસ પછી મસ્ક બીજી વ્યક્તિ હતા. મજેદાર વાત એ છે કે મસ્ક જાન્યુઆરી ૨૦૨૧માં અબજોપતિઓના લિસ્ટમાં ટૉપ પર આવ્યા હતા. ટેસ્લાના સ્ટૉક્સમાં સતત ઘટાડાના કારણે મસ્કની સંપત્તિમાં ઘટાડો થઈ રહ્યો છે.
ટેસ્લાના સ્ટૉકમાં તાજેતરમાં ઘટાડાના પગલે મસ્કની નેટવર્થમાં ૧૩૭ અબજ ડૉલર (૧૧,૩૩૬.૭૬ અબજ રૂપિયા)નો ઘટાડો થયો હતો. નોંધપાત્ર છે કે ટેસ્લાના સ્ટૉકમાં ૨૭ ડિસેમ્બરે ૧૧ ટકાનો ઘટાડો થયો હતો.
ADVERTISEMENT
ટેસ્લા એના બે સૌથી પૉપ્યુલર મૉડલ્સ માટે અમેરિકન કસ્ટમર્સને ભારેખમ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કંપનીના શાંઘાઈના પ્લાન્ટમાં પ્રોડક્શન પણ ઘટી ગયું છે.
નવેમ્બર ૨૦૨૧માં મસ્કની નેટવર્થ ૩૪૦ અબજ ડૉલર (૨૮,૧૩૫.૦૨ અબજ રૂપિયા)ની ટોચ પર પહોંચી હતી. એ પછી તેઓ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બની રહ્યા હતા. જોકે ગયા મહિને ફ્રેન્ચ બિઝનેસ ટાયકૂન અને એલવીએમએચના કૉ-ફાઉન્ડર બર્નાર્ડ આર્નોલ્ટે તેમને પાછળ છોડી દીધા હતા.
ઑક્ટોબરના અંતમાં મસ્કે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટરને ખરીદવા માટે ૪૪ અબજ ડૉલર (૩૬૪૧ અબજ રૂપિયા)નો ખર્ચ કર્યો હતો. ટ્વિટરને ખરીદવામાં મદદ મળે એ માટે તેમણે ટેસ્લામાં તેમના અમુક ટકા શૅર વેચ્યા હતા.
ઑફિસના ખર્ચ પર કાપ મૂકવાનાં કારણે ટ્વિટરના કર્મચારીઓએ તેમનું ટૉઇલેટ પેપર પણ ઑફિસમાં લાવવું પડે છે
ઇલૉન મસ્ક ટ્વિટરની ઑફિસમાં વિચિત્ર રીતે ખર્ચાઓ પર કાપ મૂકી રહ્યા છે. આ કંપનીએ ઑફિસની કાળજી રાખવા માટેની સર્વિસિસ પર કાપ મૂક્યા બાદ સૅન ફ્રાન્સિસ્કોમાં આ કંપનીના મુખ્યાલયમાં કામ કરતા કર્મચારીઓએ તેમનું પોતાનું ટૉઇલેટ પેપર લાવવું પડે છે. ઑફિસમાં અવ્યવસ્થાની સ્થિતિ છે. બાથરૂમમાં પણ ગંદકી છે. મસ્કે ટ્વિટરને ખરીદ્યા બાદ એના મોટી સંખ્યામાં કર્મચારીઓની હકાલપટ્ટી થઈ હતી.