એક પછી એક આફ્ટરશૉકથી લોકોમાં ભય પ્રસરી ગયો, ભારતમાં પણ ધરતીકંપના આંચકાની અસર થઈ : તિબેટમાં ૩ કલાકમાં ૫૦ વાર ધરતી ધણધણી, ૧૦૦૦ ઘર જમીનદોસ્ત
તિબેટના ધરતીકંપે સર્જેલી તારાજીની સાક્ષી પૂરતાં તૂટેલાં ઘરો.
ચીનના ઑટોનોમસ રીજન તિબેટમાં ગઈ કાલે સવારે રિક્ટર સ્કેલ પર ૭.૧ની તીવ્રતાના થયેલા ધરતીકંપથી ૯૫ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૩૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. હિમાયલ ક્ષેત્રમાં આવેલા આ ધરતીકંપના આંચકા ભારત અને નેપાલમાં પણ અનુભવવામાં આવ્યા હતા. તિબેટના વિસ્તારમાં ચીન દ્વારા બચાવકાર્ય ચાલુ છે. ભારતમાં દિલ્હી નૅશનલ કૅપિટલ રીજન, પટના, ગુવાહાટી જેવાં શહેરોમાં ધરતીકંપના આંચકાની અસર અનુભવવામાં આવી હતી.
બે કલાકમાં ૭ ધરતીકંપ
ADVERTISEMENT
તિબેટમાં બે કલાકમાં ૭ ધરતીકંપ થયા હતા. પહેલી વાર ધરતી ૫.૪૧ વાગ્યે ધ્રૂજી હતી. એ સમયે એની તીવ્રતા ૪.૨ રહી હતી. ત્યાર બાદ ૬.૩૫ વાગ્યે ૭.૧ની તીવ્રતાનો બીજો ધરતીકંપ આવ્યો હતો. ત્યાર બાદ એક કલાકમાં બીજા પાંચ ધરતીકંપ આવ્યા હતા. આ ધરતીકંપના કારણે ભારત, નેપાલ અને ભુતાનમાં અનેક વિસ્તારોનાં મકાનોમાં ધ્રુજારી અનુભવાઈ હતી.
ડિંગરી ગામમાં વધારે તબાહી
માઉન્ટ એવરેસ્ટના બેઝ કૅમ્પ પાસે આવેલા ડિંગરી ગામમાં સૌથી વધારે તબાહી મચી છે અને અહીં મૃત્યુઆંક સૌથી વધારે છે. ડિંગરીને માઉન્ટ એવરેસ્ટનું ઉત્તર દ્વાર માનવામાં આવે છે. અહીંથી માઉન્ટ એવરેસ્ટ માત્ર ૮૦ કિલોમીટર દૂર છે. આ ગામમાં હજાર જેટલાં ઘર જમીનદોસ્ત થયાં છે. ૭ હજાર લોકોની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં ધરતીકંપ બાદ ત્રણ કલાકમાં આશરે પચાસથી વધારે આફ્ટરશૉક આવ્યા હતા અને એના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. આફ્ટરશૉકની તીવ્રતા ૪.૪ નોંધાઈ હતી.
શિંગાસ્ટે રીજનમાં મરણાંક વધારે
ચીની મીડિયાએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે તિબેટના શિંગાસ્ટે રીજનમાં ૯૫ લોકોનાં મૃત્યુ થયાં છે. આ વિસ્તારમાં આઠ લાખ લોકો રહે છે અને આ વિસ્તારમાં તિબેટન બુદ્ધિસ્ટના ધર્મગુરુ પંચેન લામાની પારંપરિક બેઠક છે.
ભારત અને નેપાલમાં અસર
ભારતમાં બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળમાં પણ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. પટના અને ગુવાહાટીમાં લોકો ઘરોની બહાર નીકળી આવ્યા હતા. નેપાલના કાઠમાંડુમાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.