એસ. જયશંકરે કહ્યું કે આતંકવાદ, અલગાવવાદ અને કટ્ટરવાદ આ ક્ષેત્રના ત્રણ દુશ્મન; એની સામે લડવું જરૂરી
વિદેશપ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાનમાં વૃક્ષારોપણ કર્યું
શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ના શિખર સંમેલનમાં કરેલા પ્રવચનમાં કરતાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે બન્ને પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ ભાષામાં સંદેશ આપતાં કહ્યું હતું કે સારા સંબંધો માટે ભરોસો હોવો જરૂરી છે, જો ભરોસો ન હોય તો કોઈ મતલબ નથી; બધા દેશોએ આતંકવાદ, અલગાવવાદ અને કટ્ટરવાદથી બચવું પડશે.
ઇસ્લામાબાદમાં આ શિખર સંમેલનમાં ભારતના ચાણક્ય મનાતા વિદેશપ્રધાન એસ. જયશંકરે બન્ને દેશોનાં નામ લીધાં વિના તેમને સ્પષ્ટ વાત જણાવી હતી.
બીજું શું કહ્યું?
ADVERTISEMENT
SCO ચાર્ટરમાં જણાવવામાં આવ્યું છે કે મેમ્બરોના ત્રણ મોટા દુશ્મન છે આતંકવાદ, અલગાવવાદ અને કટ્ટરવાદ. આ ત્રણેયનો મુકાબલો કરવો પડશે. આ દુશ્મનો સામે લડવું પડશે. આ ત્રણ સામે લડવા માટે ઈમાનદાર વાતચીત, વિશ્વાસ, સારા પાડોશી અને SCO ચાર્ટર પર પ્રતિબદ્ધતા જરૂરી છે.
વિશ્વાસ ઓછો થયો હોય, સહયોગ બરાબર ન હોય કે સારા પાડોશી તરીકેના સંબંધો ગાયબ થયા હોય તો આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે અને આ સમસ્યાના સમાધાનને શોધવાની જરૂર છે.
આપણે જાણીએ છીએ કે દુનિયા મલ્ટિડાઇમેન્શનલ બની ગઈ છે. બધાએ સાથે મળીને વેપાર, ઇન્વેસ્ટમેન્ટ, કનેક્ટિવિટી અને અન્ય સેક્ટરમાં સહયોગના નવા અવસર પેદા કર્યા છે. જો આ આગળ વધે તો એનો ફાયદો આ ક્ષેત્રને થશે એટલું જ નહીં, આ પ્રયાસથી બીજા લોકો પણ પ્રેરણા અને શીખ લેશે.
સંબંધો સુધારવા માટે એકતરફી પહેલ ન હોવી જોઈએ, એ પહેલ બેઉ તરફથી થવી જોઈએ.
વિકાસ અને પ્રગતિ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી છે. આતંકવાદ અને બિઝનેસ સાથે ન થઈ શકે.
વિદેશપ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાનમાં વૃક્ષારોપણ કર્યું
પાકિસ્તાનમાં આયોજિત શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે ઇસ્લામાબાદ પહોંચેલા ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે ગઈ કાલે સવારે ઇસ્લામાબાદના ભારતીય હાઈ કમિશનના સંકુલમાં મૉર્નિગ વૉક કર્યું હતું અને ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગની તેમણે શૅર કરેલી તસવીરોમાં તેઓ હાઈ કમિશનના સ્ટાફ અને અન્ય લોકો સાથે વૉક કરતા દેખાય છે.
SCO સમિટના એક દિવસ પહેલાં મંગળવારે વિદેશી નેતાઓ માટેના ડિનર-રિસેપ્શનમાં તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને મળ્યા હતા. આ રિસેપ્શનમાં ભરતનાટ્યમ રજૂ કરવામાં આવ્યું હતું.
ગૉગલ્સ પહેર્યાં એની જોરદાર ચર્ચા
વિદેશપ્રધાન એસ. જયશંકર મંગળવારે સ્થાનિક સમય મુજબ બપોરે ૩.૩૦ વાગ્યે ઇસ્લામાબાદમાં નૂર ખાન ઍરબેઝ પર સ્પેશ્યલ વિમાનમાંથી ઊતર્યા ત્યારે પાકિસ્તાનના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એ સમયે ગાડી તરફ જતી વખતે જયશંકરે જે રીતે ચશ્માં કાઢીને કાળા રંગનાં ગૉગલ્સ પહેર્યાં હતાં એ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. લોકો તેમને અસલી હીરો અને તેમની આ સ્ટાઇલને બૉસની સ્ટાઇલ ગણાવી રહ્યા છે.