કેટલાક લોકો સિટિઝનશિપ મેળવવા બાળકનો જન્મ અમેરિકામાં કરાવીને ચાલાકી કરતા હોવાથી એને રોકવા કાયદામાં ફેરફાર કરવાની વાત કહેતાં મચ્યો છે ખળભળાટ
ડોનલ્ડ ટ્રમ્પે રવિવારે એક ચૅનલને ઇન્ટરવ્યુ આપ્યો હતો.
અમેરિકાના પ્રેસિડન્ટ-ઇલેક્ટ ડોનલ્ડ ટ્રમ્પે રવિવારે એક ઇન્ટરવ્યુમાં અમેરિકાની સિટિઝનશિપ વિશે મહત્ત્વનું નિવેદન કર્યું હતું એને પગલે પ્રેગ્નન્ટ મહિલાઓને અમેરિકામાં પ્રવેશ કરાવ્યા બાદ અમેરિકામાં બાળકનો જન્મ કરાવીને બાળકને અમેરિકાનું નાગરિકત્વ મેળવી આપવાનો પ્રયાસ કરનારાઓમાં ખળભળાટ મચી ગયો છે. ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિપદ સંભાળ્યા બાદ અમેરિકામાં જન્મતાંવેંત બાળકોને નાગરિકત્વ આપવાનો નિયમ બંધ કરી દેશે.
ડોનલ્ડ ટ્રમ્પના નિવેદન વિશે અમેરિકા અને કૅનેડાના વીઝા માટેના એક્સપર્ટ ડૉ. સુધીર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમેરિકાના નાગરિક બનવા માટે જાતજાતના પ્રયાસ કરવામાં આવે છે. એમાં સૌથી સરળ રસ્તો પ્રેગ્નન્ટ મહિલાને અમેરિકામાં પ્રવેશ કરાવીને બાળકનો જન્મ અમેરિકામાં કરાવવાનો છે. અમેરિકામાં જન્મતાંવેંત જ બાળક અમેરિકાનું નાગરિક બની જાય છે. આ બાળક મોટું થયા બાદ તેનાં માતા-પિતાને પણ અમેરિકા બોલાવી શકે છે અને થોડા સમય બાદ તેનાં માતા-પિતાને પણ અમેરિકાનું નાગરિકત્વ મળી જાય છે. અમેરિકાના આ નિયમનો મોટા પાયે દુરુપયોગ કરવામાં આવે છે એ અમેરિકાની સરકારના ધ્યાનમાં આવ્યું છે. કદાચ આને લીધે જ ડોનલ્ડ ટ્રમ્પે આ નિયમને બંધ કરવાનો નિર્ણય લીધો છે. મારા મતે તેમની વાત સાચી છે. દાખલા તરીકે આપણા ઘરમાં કોઈ મહિલા આવીને બાળકને જન્મ આપે તો એ બાળક આપણું વારસદાર નથી બની જતું. અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે કડક નિયમ છે. પાંચ વર્ષ અમેરિકામાં રહેનાર વ્યક્તિની વર્તણૂક, તેને અમેરિકા વિશે કેટલું નૉલેજ છે તેમ જ તેને અંગ્રેજી ભાષા બોલતાં-વાંચતાં આવડે છે કે નહીં એ જોવામાં આવે છે. એ પછી જ અમેરિકાનું નાગરિકત્વ આપવામાં આવે છે.’
ADVERTISEMENT
ડોનલ્ડ ટ્રમ્પે તેઓ રાષ્ટ્રપતિની ખુરસી સંભાળ્યા બાદ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારાઓને હાંકી કાઢશે એમ પણ કહ્યું છે જેને લીધે અમેરિકામાં ગેરકાયદે રહેતા લાખો ગુજરાતી સહિત ભારતીયોની ચિંતામાં વધારો થયો છે. જોકે ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારાઓનાં બાળકોને અત્યારના ડ્રીમર્સ ઍક્ટ મુજબ એક ચાન્સ આપવાની વાત કરી છે. એથી માતા-પિતા સાથે જે બાળકો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ્યાં હોય તેમને એક મોકો મળી શકશે.