આમ કહીને બર્થરાઇટ સિટિઝનશિપ મુદ્દે બાવીસ રાજ્યોમાં પ્રખર વિરોધ, અમેરિકામાં જન્મથી મળતી નાગરિકતાને દૂર કરવાના ટ્રમ્પના આદેશ વિરુદ્ધ ડેમોક્રેટિક પાર્ટીશાસિત રાજ્યોના ઍટર્ની જનરલો પહોંચ્યા અદાલતમાં
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા બાદ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં જન્મ થવાથી આપોઆપ મળતી અમેરિકાની નાગરિકતાના કાયદાને એક આદેશ દ્વારા બદલી નાખતાં ૨૨ રાજ્યોના ઍટર્ની જનરલોએ આ આદેશનો કોર્ટમાં વિરોધ નોંધાવ્યો છે અને લૉસૂટ ફાઇલ કર્યા છે.
ડેમોક્રેટિક પાર્ટી દ્વારા શાસિત રાજ્યોના ઍટર્ની જનરલો અને ઇમિગ્રન્ટ ઍડ્વોકેટોએ ટ્રમ્પના આ આદેશ સામે સવાલો ખડા કર્યા હતા અને કહ્યું હતું કે પ્રેસિડન્ટ પાસે ઘણી સત્તા હોય છે પણ તેઓ રાજા નથી, શહેનશાહ નથી કે તેઓ પેનના એક સ્ટ્રોકથી અમેરિકાના બંધારણે આપેલા અધિકારને, બંધારણના ૧૪મા સુધારાને એકઝાટકે ઉડાવી શકે.
ADVERTISEMENT
આ મુદ્દે વાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે આ બાબતે કોર્ટમાં સામનો કરવા તૈયાર છીએ, આ વિરોધ કંઈ નથી, એ તો ડાબેરી વિચારસરણીનું એક્સ્ટેન્શન છે. ૭૦૦ પાનાંના ટ્રમ્પના એક્ઝિક્યુટિવ આદેશમાં ૧૫૦ વર્ષથી જન્મના આધારે મળતી અમેરિકાની નાગરિકતાને ખતમ કરી દેવાઈ છે. એમાં જણાવાયું છે કે માતા-પિતા પૈકી એક અમેરિકન સિટિઝન હોવું જોઈએ અથવા ગ્રીન કાર્ડ હોવું જોઈએ અથવા તેઓ સૈન્યમાં નોકરી કરતા હોવા જોઈએ. ટ્રમ્પે આ વચન ચૂંટણીપ્રચાર વખતે આપ્યું હતું અને પહેલા જ દિવસે એનો અમલ કર્યો છે.
સૅન ફ્રાન્સિસ્કો અને ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયા સહિત ૧૮ રાજ્યોએ ટ્રમ્પના આદેશના વિરોધમાં ફેડરલ કોર્ટમાં લૉસૂટ ફાઇલ કર્યા છે. બર્થરાઇટ સિટિઝનશિપથી અમેરિકાના નાગરિક બનેલા અને મૂળ ચીનના પણ હાલમાં કનેક્ટિકટના પહેલા વિદેશી મૂળના ઍટર્ની જનરલ વિલિયમ ટૉન્ગે કહ્યું હતું કે આ આદેશનો વિરોધ કરવો એ મારા માટે વ્યક્તિગત વાત છે.
ન્યુ જર્સી, કૅલિફૉર્નિયા, મૅસેચુસેટ્સ, કોલોરાડો, કનેક્ટિકટ, ડેલાવેર, હવાઈ, માઇને, મૅરિલૅન્ડ, મિશિગન, મિનેસોટા, નેવાડા, ન્યુ મેક્સિકો, ન્યુ યૉર્ક, નૉર્થ કેરોલિના, રોડ આઇલૅન્ડ, વર્મોન્ટ અને વિસ્કૉન્સિને પણ આ આદેશનો વિરોધ કર્યો છે.
H-1B વીઝા પર ડોનલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા : આ વીઝા રદ નથી કરવા, કાબેલિયત ધરાવતા લોકો અમેરિકા આવે
જન્મ સાથે અમેરિકાની નાગરિકતા આપવાના કાયદાને એક આદેશથી હટાવીને અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોને ઝટકો આપનારા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે H-1B વીઝા પર થોડું કૂણું વલણ અપનાવ્યું છે અને કહ્યું છે કે હું H-1B વીઝા પ્રોગ્રામ રદ કરવા નથી માગતો, હું ઇચ્છું છું કે કાબેલિયત ધરાવતા લોકો અમેરિકામાં આવે.
ઓરૅકલ કંપનીના ચીફ ટેક્નિકલ ઑફિસર (CTO) લૅરી એલિસન, સૉફ્ટબૅન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) માસાયોશી સન અને ઓપન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના CEO સૅમ ઑલ્ટમૅન સાથે જૉઇન્ટ ન્યુઝ કૉન્ફરન્સમાં ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આ મુદ્દે મને દલીલની બન્ને બાજુ ગમે છે, પણ મને આપણા દેશમાં આવતા ખૂબ જ સક્ષમ લોકો પણ ગમે છે, ભલે તેમને તાલીમ આપવી પડે કે અન્ય લોકોની મદદ પણ લેવી પડે કે જેમની પાસે યોગ્યતા પણ ન હોય, પરંતુ હું તેમને રોકવા માગતો નથી. હું માત્ર એન્જિનિયરોની જ વાત નથી કરી રહ્યો, હું દરેક સ્તરના લોકોની વાત કરું છું. અમે ઇચ્છીએ છીએ કે કાબેલિયત ધરાવતા લોકો આપણા દેશમાં આવે. હું H-1B પ્રોગ્રામને સારી રીતે જાણું છું, હું એનો ઉપયોગ કરું છું. હોટેલનો હેડ વેઇટર, વાઇન એક્સપર્ટ, વેઇટર્સ, ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વેઇટર્સ, તમને બેસ્ટ માણસોની જરૂર છે. લૅરીને એન્જિનિયરોની જરૂર છે, માસાયોશીને પણ જરૂર છે. તેમને પહેલાં નહોતી એટલી એન્જિનિયરોની જરૂર આજે છે.’
અમેરિકન પ્રેસિડન્ટે ઇમિગ્રેશનની ક્વૉલિટી જળવાઈ રહે એ બાબતે ખાસ ભાર મૂક્યો હતો. અમેરિકામાં ટેસ્લાના માલિક ઇલૉન મસ્કે પણ H-1B વીઝા પ્રોગ્રામનું સમર્થન કર્યું હતું અને કહ્યું હું કે એનાથી ટેક્નિકલ ક્ષેત્રમાં ક્વૉલિફાઇડ પ્રોફેશનલોને નોકરીએ રાખવામાં મદદ મળે છે.