ટ્રમ્પ અમેરિકાની આર્થિક તાકાતના બળે કૅનેડાને અમેરિકાનો હિસ્સો બનાવવા માગે છે
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ઇલેક્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એવો નકશો પોસ્ટ કર્યો હતો જેનાથી કૅનેડાના રાજકીય નેતાઓ રોષમાં છે. ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ શપથ લેવાના છે એ પહેલાં જ તેઓ પોતે જે કામ કરવાના છે એનું લિસ્ટ બનાવી રહ્યા છે. તેમના એજન્ડામાં કૅનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવાનું પણ છે. ટ્રમ્પ પહેલેથી જ કૅનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય માને છે અને હવે તેમણે કૅનેડા અમેરિકાનો જ હિસ્સો હોય એવો નકશો તેમની પોસ્ટમાં રજૂ કર્યો હતો.
ટ્રમ્પ અમેરિકાની આર્થિક તાકાતના બળે કૅનેડાને અમેરિકાનો હિસ્સો બનાવવા માગે છે. ટ્રમ્પની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં કૅનેડાના કાર્યવાહક વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે કૅનેડા અમેરિકાનો હિસ્સો બને એ વાતની સંભાવના જ નથી. કૅનેડાનાં વિદેશપ્રધાન મેલોની જૉલીએ કહ્યું હતું કે ‘ટ્રમ્પનું નિવેદન કૅનેડાને એક મજબૂત દેશ બનાવવાવાળી ચીજો વિશે સમજમાં કમી દર્શાવે છે. અમારી અર્થવ્યવસ્થા મજબૂત છે. અમારા લોકો મજબૂત છે. અમે પડકારોથી ડરી જનારા નથી.’