કશ્યપ ‘કૅશ’ પટેલ અમેરિકન સરકારમાં ડીપ સ્ટેટને તોડવાના હતા હિમાયતી, પટેલ પરિવાર યુગાન્ડાથી ૧૯૭૦માં અમેરિકા પહોંચ્યો હતો
કૅશ પટેલ અને ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ઇલેક્ટ ડોનલ્ડ ટ્રમ્પે પૅન્ટાગોનના ભારતીય અમેરિકન અધિકારી કશ્યપ ‘કૅશ’ પટેલને ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. ભારતીય મૂળના ગુજરાતી કશ્યપ ‘કૅશ’ પટેલ ડોનલ્ડ ટ્રમ્પની એકદમ નિકટવર્તી અને ભરોસાપાત્ર વ્યક્તિ છે. તેઓ અમેરિકન સરકારમાં ડીપ સ્ટેટને તોડવાના હિમાયતી માનવામાં આવે છે.
આ મુદ્દે ડોનલ્ડ ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ પર લખ્યું હતું કે ‘કૅશ તેજસ્વી લૉયર, ઇન્વેસ્ટિગેટર અને અમેરિકા ફર્સ્ટનો ફાઇટર છે જેણે ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં કરીઅર બનાવી છે અને ન્યાયનો બચાવ કરે છે. તે અમેરિકન લોકોને બચાવી રહ્યો છે.’
ADVERTISEMENT
પ્રેસિડન્ટ ઇલેક્ટ ડોનલ્ડ ટ્રમ્પે પ્રેસિડન્ટ તરીકે તેમના પહેલા કાર્યકાળમાં કશ્યપ પટેલે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી અને દાવો કર્યો હતો કે રશિયન છેતરપિંડીને બહાર લાવવામાં તેણે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પ દ્વારા કશ્યપ પટેલની વરણી એ વાતનો સંકેત પણ આપે છે કે હાલના FBIના ડિરેક્ટર ક્રિસ્ટોફર રે પ્રત્યે તેમને અસંતોષ છે, જેમની વરણી ટ્રમ્પે ૨૦૧૭માં કરી હતી. ક્રિસ્ટોફર રે જે રીતે FBIનો કારભાર ચલાવે છે એની ડોનલ્ડ ટ્રમ્પે અનેક વાર જાહેરમાં જોરદાર ટીકા કરી છે અને ખાસ કરીને ટ્રમ્પ સામેના કેસમાં તેમની ભૂમિકા સામે સવાલ ઉઠાવ્યા છે. ક્રિસ્ટોફર રેના કાર્યકાળ દરમ્યાન FBIએ વર્ગીકૃત દસ્તાવેજોના સંદર્ભમાં ટ્રમ્પના ફ્લૉરિડામાં આવેલા માર એ લાગો એસ્ટેટમાં કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી સર્ચ હાથ ધરી હતી. આ પગલાને કારણે ટ્રમ્પ અને તેમના સાથીઓ FBIના ક્રિસ્ટોફર રે સામે ગુસ્સે ભરાયા હતા.
૪૪ વર્ષના કશ્યપ પટેલે FBIમાં સુધારો કરવાની મહેચ્છા અગાઉ ઘણી વાર કરી દીધી છે. રૂઢિચુસ્ત શૉન રાયન શોમાં એક મુલાકાતમાં કશ્યપ પટેલે કહ્યું હતું કે ‘હું FBIની માહિતી એકત્રિત કરવાની કામગીરીને વિખેરી નાખીશ અને એના હેડ ક્વૉર્ટરના માળખામાં ધરખમ ફેરફાર કરીશ. FBIની સૌથી મોટી સમસ્યા એના ઇન્ટેલિજન્સના દાયરામાંથી બહાર આવવાની છે. હું એ બાબતને ખતમ કરી દઈશ. એક દિવસ હું FBIના હૂવર બિલ્ડિંગને બંધ કરી દઈશ અને બીજા દિવસે ત્યાં ડીપ સ્ટેટનું મ્યુઝિયમ ખોલી દઈશ. એ બિલ્ડિંગમાં કામ કરતા ૭૦૦૦ કર્મચારીઓને ત્યાંથી હટાવી દઈશ અને તેમને આખા અમેરિકામાં ગુનેગારોને પકડવા માટે મોકલી દઈશ. તમે પોલીસ છો, જાઓ, પોલીસનું કામ કરો.’
કશ્યપ પટેલ ટ્રમ્પના પ્રસ્તાવિત ઍટર્ની જનરલ પામ બૉન્ડીના હાથ નીચે કામગીરી પાર પાડશે અને ટ્રમ્પે જેમ જણાવ્યું છે એમ FBIના મૂળ સિદ્ધાંતો વફાદારી, બહાદુરી અને અખંડિતતાને પુન: સ્થાપિત કરવા માટે કામ કરશે.
કોણ છે કશ્યપ ‘કૅશ’ પટેલ?
૪૪ વર્ષના કશ્યપ ‘કૅશ’ પટેલ ભારતીય મૂળના છે અને ૧૯૮૦માં ન્યુ યૉર્કના ગાર્ડન સિટીમાં તેમનો જન્મ થયો હતો. તેમનાં ગુજરાતી માતા-પિતા ઈસ્ટ આફ્રિકાના યુગાન્ડાથી કૅનેડાના માર્ગે ૧૯૭૦માં અમેરિકામાં આવીને વસ્યાં હતાં. તેમના પિતા ઍર કંપનીમાં ફાઇનૅન્શિયલ અધિકારી તરીકે કાર્યરત હતા. કશ્યપ ‘કૅશ’ પટેલે કાયદામાં ડિગ્રી મેળવી હતી અને આંતરરાષ્ટ્રીય કાયદામાં પણ ડિગ્રી ધરાવે છે. નોકરી ન મળવાથી તેઓ પબ્લિક ડિફેન્ડર બની ગયા અને માયામીમાં સ્થાનિક કોર્ટમાં નવ વર્ષ કામ કર્યું હતું. તેઓ અમેરિકન લીગલ સિસ્ટમમાં સામેલ થયા હતા અને પછી ૨૦૧૯માં નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલમાં ટ્રમ્પના આતંકવાદવિરોધી ઍડ્વાઇઝર રહ્યા હતા. ટ્રમ્પના અગાઉના કાર્યકાળમાં તેમણે ઍક્ટિંગ ડિફેન્સ સેક્રેટરીના ચીફ ઑફ સ્ટાફની જવાબદારી સંભાળી હતી. ટ્રમ્પના ગત કાર્યકાળ વખતે કશ્યપ પટેલે ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS), અલ-બગદાદી અને કાસિમ અલ રિમી જેવા અલ કાયદાના નેતૃત્વને ખતમ કરવામાં તથા અનેક અમેરિકન બંધકોને પાછા લાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. તે મિશન ટ્રમ્પની ટૉપ પ્રાયોરિટીમાં હતા. અનેક જટિલ કેસનો ઉકેલ લાવવામાં તેમની કુનેહને કારણે તેઓ ટ્રમ્પના માનીતા બની ગયા હતા અને તેમને ટ્રમ્પના એકદમ વફાદાર માનવામાં આવે છે.
ટ્રમ્પ પ્રશાસનમાં પ્રશંસનીય ભૂમિકા
ડોનલ્ડ ટ્રમ્પની પહેલી ટર્મમાં કશ્યપ પટેલને પ્રસિદ્ધિ મળી અને હાઉસ રિપબ્લિકનની FBI દ્વારા રશિયાને લગતી તપાસનો હિસ્સો બન્યા હતા. તેમણે વિવાદાસ્પદ GOP મેમો ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જેમાં ૨૦૧૬ના ટ્રમ્પના પ્રચારના અભિયાનમાં FBIના પક્ષપાતી વલણનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’એ એને ‘કૅશ મેમો’ તરીકે ઓળખાવ્યો હતો અને એ રશિયાની તપાસના મુદ્દે ફ્લૅશપૉઇન્ટ બની ગયો હતો.
ત્યાર બાદ કશ્યપ પટેલે સંરક્ષણ સચિવના કાર્યકારી સેક્રેટરીના ચીફ ઑફ સ્ટાફ તરીકે ટ્રમ્પની નૅશનલ સિક્યૉરિટી પૉલિસીઓને આકાર આપવાનું ચાલુ રાખ્યું હતું. તેમના કાર્યકાળમાં તેમના પર યુક્રેન માટે અનધિકૃત બૅક ચૅનલ તરીકે કામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.