લોકો તેમને ભારતીય માને છે પરંતુ તેમના પિતા સમોઆ અને યુરોપિયન વંશના છે, મમ્મીએ હિન્દુ ધર્મ અપનાવીને બાળકોનાં નામ ભારતીય રાખ્યાં છે
ડોનલ્ડ ટ્રમ્પ અને તુલસી ગબાર્ડ
અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી જીત્યા બાદ ડોનલ્ડ ટ્રમ્પે તેમની સરકાર રચવાની તૈયારી શરૂ કરી દીધી છે અને બુધવારે તેમણે ડિરેક્ટર ઑફ નૅશનલ ઇન્ટેલિજન્સ (DNI)ની પોસ્ટ માટે ડેમોક્રૅટિક પાર્ટીનાં ભૂતપૂર્વ સભ્ય ૪૩ વર્ષનાં તુલસી ગબાર્ડની પસંદગી કરી છે. તેમનું નામ તુલસી હોવાથી લોકો તેમને ભારતીય માને છે, પણ એવું નથી. તેમના પિતા સમોઆ અને યુરોપિયન વંશના છે અને મમ્મીએ હિન્દુ ધર્મ અપનાવ્યો હોવાથી બાળકોનાં નામ ભારતીય રાખ્યાં હતાં. ચાર વખત ડેમોક્રૅટિક પાર્ટીનાં સંસદસભ્ય રહેલાં તુલસી ગબાર્ડે થોડા વખત પહેલાં એ પાર્ટીને છોડીને રિપબ્લિકન પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. મધ્ય પૂર્વ, ઇરાક અને આફ્રિકામાં તેઓ ત્રણ વાર સૈન્ય અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે.