ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે ફરી ચૂંટાઈ આવ્યા એ પછી નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને ભવ્ય વિજયનાં અભિનંદન આપ્યાં હતાં
ગઈ કાલે વિક્ટરી-સ્પીચ આપતી વખતે અલગ-અલગ મુદ્રામાં ડોનલ્ડ ટ્રમ્પ.
અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં ડોનલ્ડ ટ્રમ્પે અનેક અવરોધોને અતિક્રમીને અદ્ભુત કમબૅક કરીને વિજય મેળવ્યો છે. એક કેસમાં દોષી ઠરાવાયા, ત્રણમાં આરોપી છે, બે વખત તેમને મારી નાખવા હુમલા થયા, બે વખત તેમના પર મહાભિયોગનો સામનો કરવો પડ્યો અને મેઇનસ્ટ્રીમ મીડિયા દ્વારા તેમની સામે સતત અભિયાન ચલાવાયું એ છતાં તેમણે એ બધાને પછાડીને અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે. વિજયી બન્યા પછી યુનાઇટેડ સ્ટેટ્સના ૪૭મા પ્રેસિડન્ટ બનવા જઈ રહેલા ટ્રમ્પે કહ્યું હતું કે વી મેડ હિસ્ટરી.
હાઉસની કુલ ૫૩૮ બેઠકોમાંથી ટ્રમ્પે ક્લિયર મૅજોરિટી સાથે ૨૭૯ ઇલેક્ટોરલ બેઠક મેળવી હતી, જ્યારે કમલા હૅરિસે ૨૨૩ બેઠક મેળવી હતી. ટ્રમ્પને કુલ ૫૧ ટકા વોટ મળ્યા હતા જેને કારણે ૨૦૨૦માં તેમણે ગુમાવેલી પ્રેસિડન્સી ફરી એક વખત અંકે કરી લીધી હતી.
ADVERTISEMENT
ફ્લૉરિડામાં તેમની જીતથી ખુશ થઈને સમર્થકો USA... USAના પોકાર કરી રહ્યા હતા ત્યારે તેમને સંબોધતાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાના લોકોની આ મૅગ્નિફિસન્ટ જીત છે જેણે આપણને ફરી એક વાર અમેરિકાને ગ્રેટ બનાવવાનો મોકો આપ્યો છે.
અમેરિકાના અત્યાર સુધીમાં પ્રેસિડન્ટ બનેલા બધા જ પ્રેસિડન્ટમાં તેઓ સૌથી મોટી ઉંમરે ૭૮ વર્ષની ઉંમરે પ્રેસિડન્ટ બન્યા છે. વળી તે એવા બીજા પ્રેસિડન્ટ છે જે એક વાર હાર્યા પછી ફરી ચૂંટાઈ આવ્યા હોય. તેમના પહેલાં ૧૮૯૩માં ગ્રોવર ક્લીવલૅન્ડ હાર્યા બાદ ફરી ચૂંટાઈ આવ્યા હતા.
૨૦૨૦ની ચૂંટણી વખતે ટ્રમ્પે દાવો કરતાં કહ્યું હતું કે તેમણે જો બાઇડનને હરાવ્યા હતા, પણ જો બાઇડને એ ચૂંટણી ચોરીને જીતી હતી. તેમની આ જીતથી હવે તેમની સામે મિસહૅન્ડલિંગ ઑફ સીક્રેટ ડૉક્યુમેન્ટ્સ અને ચૂંટણીમાં અંતરાય ઊભો કરવાના કેસનો અંત આવી જશે.
પૉર્નસ્ટાર સાથે વિતાવેલા સમય બદલ કરેલા પેમેન્ટની વિગતો છુપાવવા તેમના બિઝનેસ-રેકૉર્ડમાં છેડછાડ કરી હોવાના ન્યુ યૉર્કના કેસમાં ટ્રમ્પને દોષી ઠરાવાયા છે. એનો ચુકાદો આ મહિનાના અંતમાં આવવાનો છે જેમાં તેમને જેલવાસ થવાની શક્યતા જોકે ઓછી છે.
નરેન્દ્ર મોદીએ વાત કરી ડોનલ્ડ ટ્રમ્પ સાથે
ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે ફરી ચૂંટાઈ આવ્યા એ પછી નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને ભવ્ય વિજયનાં અભિનંદન આપ્યાં હતાં. સોશ્યલ મીડિયા પર આ માહિતી આપતાં મોદીએ કહ્યું હતું કે ‘ટેક્નૉલૉજી, ડિફેન્સ, એનર્જી, સ્પેસ અને બીજાં ઘણાં ક્ષેત્રોમાં ભારત-અમેરિકાના સંબંધો મજબૂત કરવા ફરી સાથે મળીને કામ કરવા અમે ઉત્સુક છીએ.’