ટ્રમ્પે એક પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે ‘કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયા બાદ વિદ્યાર્થીઓને ડિપ્લોમાના ભાગરૂપે આપોઆપ ગ્રીન કાર્ડ મળવું જોઈએ`
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે ત્યારે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનલ્ડ ટ્રમ્પે એવું વચન આપ્યું છે કે જો તેઓ ફરી રાષ્ટ્રપતિ બનશે તો અમેરિકન કૉલેજોમાંથી ગ્રૅજ્યુએટ થનારા વિદેશી વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ આપશે. ટ્રમ્પે એક પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે ‘કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયા બાદ વિદ્યાર્થીઓને ડિપ્લોમાના ભાગરૂપે આપોઆપ ગ્રીન કાર્ડ મળવું જોઈએ જેથી તેઓ આ દેશમાં રહી શકે. મેં એવા ઘણા લોકોને જોયા છે જે ટોચની કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયા બાદ અમેરિકામાં રહેવા માગે છે, પણ નથી રહી શકતા. તેઓ ભારત કે ચીન પાછા ચાલ્યા જાય છે અને કોઈ અમેરિકન કંપની સાથે ડીલ પણ નથી કરી શકતા. અમેરિકાને આગળ લઈ જવા માટે પ્રતિભાશાળી લોકોની જરૂર છે.’
ટ્રમ્પનું આ નિવેદન રાષ્ટ્રપતિ જો બાઇડનની એ જાહેરાત બાદ આવ્યું છે જેમાં તેમણે અમેરિકન નાગરિક સાથે લગ્ન કરનારા ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવાની વાત કરી હતી. ૨૦૧૬માં ડોનલ્ડ ટ્રમ્પે વિરોધાભાસી વલણ દર્શાવતા H-1B વીઝા રદ કરવાની વાત કરી હતી. H-1B વીઝા એ નૉન-ઇમિગ્રન્ટ વીઝા છે જેના હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સની કંપનીઓ વિદેશી કામદારોની ભરતી કરી શકે છે.