ઍરપોર્ટ સહિત તમામ વાહન-વ્યવહાર બંધ રહેશે અને લોકો કોઈ જ કામ કર્યા વિના મૌન પાળશે
બાલીના બીચના કિનારે શુદ્ધીકરણ માટેની સેરેમની કરતી સ્થાનિક મહિલાઓ અને શુદ્ધીકરણ માટે શરીરને પીડા આપતો પુરુષ.
ઇન્ડોનેશિયાનો બાલી ટાપુ આવતી કાલે ન્યુ યર મનાવશે. અહીંની નવા વર્ષની ઉજવણી અનોખી છે. બાલીના હિન્દુઓનો આ સૌથી મોટો ફેસ્ટિવલ છે જે નેપી ફેસ્ટિવલ તરીકે ઓળખાય છે. નવા વર્ષ પહેલાંના ત્રણ-ચાર દિવસથી અહીં અનેકાનેક શુદ્ધીકરણની વિધિઓ થાય છે. એમાં હિન્દુઓ ખાસ પ્રાર્થના કરવા માટે બીચ પર ભેગા થાય છે અને જાતજાતની ચીજવસ્તુઓ દરિયાને અર્પણ કરે છે. નવા વર્ષના એક-બે દિવસ પહેલાં અહીં લોકો શેતાનનાં મસમોટાં પૂતળાં બનાવીને સરઘસ કાઢે છે. માણસમાં રહેલી બૂરાઈઓને મનમાંથી કાઢીને એનો ત્યાગ કરવાના પ્રતીકરૂપે આ વિધિ યોજાય છે.
આવતી કાલે એટલે કે ૨૯ માર્ચે સવારે ૬ વાગ્યાથી ૩૦ માર્ચે સવારે ૬ વાગ્યા સુધી નવા વર્ષની ઉજવણી નિમિત્તે આખું બાલી શાંત થઈ થશે. નવા વર્ષને ‘ડે ઑફ સાઇલન્સ’ કહેવાય છે. આ દિવસે આખું બાલી થંભી જાય છે. કોઈ ટ્રાવેલ નથી કરતું, નથી કોઈ બાલીમાંથી બહાર જઈ શકતું કે બહારથી કોઈ બાલીમાં પ્રવેશી નથી શકતું. સ્થાનિક લોકો પોતાના ઘરમાં જ રહેવાનું પ્રિફર કરે છે. આ દિવસ શાંત રહીને આત્મખોજનો છે એવું માનવામાં આવે છે. સહેલાણીઓને પણ જાહેર સ્થળોએ ફરવાની મનાઈ હોય છે. બીચ જેવા વિસ્તારોમાં કોઈએ ફરવું હોય તો પણ મૌન ફરવું વધુ હિતાવહ છે. સ્થાનિકો કોઈ જ પ્રકારનો અવાજ નથી કરતા. ગીતો ગાવાં, ટીવી-ચૅનલો જોવી કે મૂવી થિયેટરોમાં જવાનો તો સવાલ જ પેદા નથી થતો.

