બૉસ્ટનમાં માઇનસ ૧૩ ડિગ્રી જ્યારે વર્સેસ્ટર, મૅસેચુસેટ્સમાં માઇનસ ૧૬ ડિગ્રી તાપમાન નોંધાયું, પરંતુ માઉન્ટ વૉશિંગ્ટનમાં અત્યંત ઠંડા પવનોના લીધે તાપમાન માઇનસ ૭૯ સેલ્સિયસ જેટલું નીચું ગયું
ન્યુ હૅમ્પશરના માઉન્ટ વૉશિંગ્ટનમાં અત્યંત ઠંડા પવનોને લીધે તાપમાન માઇનસ ૭૯ સેલ્સિયસ જેટલું નીચું ગયું હતું. અહીં ચારેબાજુ બરફ પથરાયો છે.
વૉશિંગ્ટન ઃ પૂર્વોત્તર અમેરિકામાં શુક્રવારે અત્યંત ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. આ સમગ્ર પ્રદેશમાં તાપમાન અત્યંત નીચું ગયું હતું. ન્યુ હૅમ્પશરના માઉન્ટ વૉશિંગ્ટનમાં અત્યંત ઠંડા પવનોના લીધે તાપમાન માઇનસ ૭૯ સેલ્સિયસ જેટલું નીચું ગયું હતું.
ન્યુ યૉર્ક સ્ટેટના મોટા ભાગના વિસ્તાર તેમ જ મૅસેચુસેટ્સ, કનેક્ટિકટ, રોડ આઇલૅન્ડ, ન્યુ હૅમ્પશર, વેરમોન્ટ અને મેઇનેમાં અત્યંત ઠંડીની આગાહી કરવામાં આવી છે. આ અત્યંત ઠંડી અને ભારે પવનોના કારણે પૂર્વોત્તર અમેરિકામાં બે દિવસથી લોકો પરેશાન છે.
બૉસ્ટન અને વર્સેસ્ટરમાં સ્કૂલોને શુક્રવારે બંધ રાખવામાં આવી હતી. બૉસ્ટનમાં માઇનસ ૧૩ ડિગ્રી જ્યારે વર્સેસ્ટર, મૅસેચુસેટ્સમાં માઇનસ ૧૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બૉસ્ટનના મેયર મિશેલ વૂએ રવિવારે જ ઇમર્જન્સીની જાહેરાત કરી હતી. આ ઠંડીના કારણે માર્કેટ્સમાં સન્નાટો છે.
હવામાન નિષ્ણાત બોબ ઓરાવેકે કહ્યું હતું કે શુક્રવારની સવારે પૂર્વ કૅનેડાથી અમેરિકામાં વહેતા આર્કટિક પવનોએ અનેક શહેરોમાં કેર વર્તાવ્યો છે.
હવામાન વિજ્ઞાની બ્રાયન હર્લેએ જણાવ્યું હતું કે આ ઠંડી અત્યંત કપરી છે. અનેક પેઢીઓમાં પહેલી વખત આવી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.