ભારતમાં બાળકોમાં શ્વાસોશ્વાસની બીમારીનું ટ્રૅકિંગ કરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
બીજિંગ : ચીનમાં રહસ્યમય ન્યુમોનિયા ફેલાવાના કારણે કોરોનાની મહામારી જેવી સિચુએશન જોવા મળી રહી છે. અહીં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો ફરી અમલમાં મૂકવામાં આવ્યા છે. ચીનની હૉસ્પિટલોમાં માસ્ક પહેરીને આવેલા પેશન્ટ્સ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે. બીજિંગ અને લિયાઓનિંગ જેવાં સિટીઝની હૉસ્પિટલોમાં મોટી સંખ્યામાં બીમાર બાળકોને ઍડમિટ કરવા માટે લાવવામાં આવી રહ્યાં છે.દરમ્યાન, ચીનમાં રહસ્યમય ન્યુમોનિયા ફેલાવાના કારણે ભારત સરકાર બાળકોમાં શ્વાસોશ્વાસની ગંભીર બીમારીના કેસને ટ્રૅક કરશે. રાજ્યોએ હવે શ્વાસોશ્વાસની ગંભીર બીમારીઓ અને ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીના તમામ કેસનું જિલ્લા લેવલે રિપોર્ટિંગ કરવું પડશે. ટેસ્ટિંગ માટે સૅમ્પલ્સને ઍડ્વાન્સ્ડ રિજનલ લૅબોરેટરીઝમાં મોકલવામાં આવશે. કેન્દ્ર સરકારના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘અગમચેતી માટે જ આ કામગીરી થઈ રહી છે. અત્યાર સુધીમાં ખૂબ જ ચિંતા કરવા માટેનું કારણ મળ્યું નથી, પરંતુ સતર્કતા વધારવી જરૂરી છે. કોરોનાના કારણે શ્વાસોશ્વાસની બીમારીના ટ્રૅકિંગ માટે ઑલરેડી એક સિસ્ટમ અમલમાં છે, જેનો હવે શ્વાસોશ્વાસની બીમારીઓને ટ્રૅક કરવા માટે વધુ ઉપયોગ કરવામાં આવશે.’