ચીની ડૉક્ટરોનું કહેવું છે કે તેમણે આવો વિચિત્ર કેસ પહેલાં કદી જોયો નહોતો એટલે આ કેસ રૅર અને વિચિત્ર કેસની મેડિકલ જર્નલમાં ઉમેરવા માટે મોકલી આપવામાં આવ્યો છે.
ગર્લફ્રેન્ડનો હાથ બૉયફ્રેન્ડના મોઢામાં ફસાઈ ગયો, કઢાવવા હૉસ્પિટલ ભાગવું પડ્યું
ચીનના જિલિન પ્રાંતમાં એક કપલને અમસ્તી જ મજાક કરવાનું ભારે પડી ગયું. યુવતીનો હાથ ખૂબ જ નાનો અને કોમળ હતો એટલે બન્ને વચ્ચે મજાકભરી વાતચીતમાં ઘણી વાર ચર્ચા થતી કે તારી તો મુઠ્ઠી પણ એટલી ટચૂકડી છે કે મારા મોઢામાં સમાઈ જાય. એક વાર આ મજાક સાચી છે કે નહીં એનાં પારખાં કરવા માટે યુવતીએ મુઠ્ઠી વાળીને યુવકના મોંમાં ખોસી. મુઠ્ઠીને અંદર નાખતી વખતે તો ખાસ તકલીફ ન પડી, પરંતુ જેવી મુઠ્ઠી અંદર ગઈ કે તરત જ યુવકના મોઢાના મસલ્સ તંગ થઈ ગયા. એ પછી તો હાથને બહાર કાઢવા માટે તેમણે ખૂબ મહેનત કરી પણ કેમેય કરીને હાથ નીકળ્યો જ નહીં. લગભગ પાંચ-સાત મિનિટ પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી. ઊલટાનું યુવકનું મોઢું રાતું અને કાળાશ પડતું થવા માંડ્યું. આ પરિસ્થિતિ જોઈને યુવતીએ તરત આ જ હાલતમાં નજીકની હૉસ્પિટલમાં જવાનું નક્કી કર્યું. યુવકના મોંમાં હાથ સાથે જ બન્ને હૉસ્પિટલ પહોંચ્યાં ત્યારે પહેલાં તો ડૉક્ટરો આશ્ચર્ય પામી ગયા. તેમણે હાથને આમતેમ ફેરવીને થોડી જગ્યા કરીને છોકરીનો હાથ ખેંચવાની કોશિશ કરી પણ એમાં સફળતા ન મળી. પછી ડૉક્ટરોને સમજાયું કે કદાચ મોઢામાં આવેલા ઑબ્જેક્ટને અંદર વધતો રોકવા માટે શરીરની કુદરતી પ્રતિકાર શક્તિને કારણે મોઢાના મસલ્સ સ્ટિફ થઈ ગયા છે. આખરે તેમણે જડબાની ફરતે સ્નાયુઓને રિલૅક્સ કરે એવાં ઇન્જેક્શન્સ આપ્યાં અને થોડી વાર તેને ગમતાં ગીતો વગાડીને રિલૅક્સ થવાનું કહ્યું અને એ ટ્રિક કામ કરી ગઈ. છોકરી તેનો હાથ સહેજ આડો કરી શકે એવી જગ્યા થતાં જ ડૉક્ટરોએ હાથ બહાર ખેંચી કાઢ્યો. ચીની ડૉક્ટરોનું કહેવું છે કે તેમણે આવો વિચિત્ર કેસ પહેલાં કદી જોયો નહોતો એટલે આ કેસ રૅર અને વિચિત્ર કેસની મેડિકલ જર્નલમાં ઉમેરવા માટે મોકલી આપવામાં આવ્યો છે.

