ચીને એના વિવાદાસ્પદ ભુતાનની નજીક આવેલી સરહદો પર ૨૦૦ જેટલાં પાકાં બાંધકામ કર્યાં છે, જેમાં બે માળનાં મકાનો અને છ લોકેશન પર નિર્માણકાર્ય ચાલી રહ્યું હોવાનું રોઇટર દ્વારા બહાર પાડવામાં આવેલી સૅટેલાઇટ તસવીરોમાં નજરે પડ્યું છે.
ભુતાનની જમીન હડપવા માગે છે ચીન
નવી દિલ્હી : ચીને એના વિવાદાસ્પદ ભુતાનની નજીક આવેલી સરહદો પર ૨૦૦ જેટલાં પાકાં બાંધકામ કર્યાં છે, જેમાં બે માળનાં મકાનો અને છ લોકેશન પર નિર્માણકાર્ય ચાલી રહ્યું હોવાનું રોઇટર દ્વારા બહાર પાડવામાં આવેલી સૅટેલાઇટ તસવીરોમાં નજરે પડ્યું છે. અમેરિકાની સંસ્થા હૉકઆઇટ ૩૬૦ દ્વારા આ સૅટેલાઇટ તસવીરો રોઇટર્સને પૂરી પાડવામાં આવી છે, જેમણે ચીનની આ પ્રવૃત્તિઓ પર પોતાનો અહેવાલ પણ બહાર પાડ્યો હતો. ભુતાનની પશ્ચિમ સરહદ પર આવાં નિર્માણકાર્યો તો ૨૦૨૦થી જ ચાલી રહ્યાં હતાં, પરંતુ જેમાં ચીને આ સ્થળે મોટા પાયે સાફસફાઈ હાથ ધરી હતી. ૨૦૨૧માં આ કામમાં તેજી આવી હતી, જેમાં કેટલાંક ઘરો ઊભાં થઈ ગયેલાં નજરે પડતાં હતાં.
અન્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જ્યાં આ નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું ત્યાં ચીન અને ભુતાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ચીન અને ભુતાન વચ્ચે ૧૧૦ ચોરસ કિલોમીટરના વિસ્તારને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સામાન્ય રીતે ભુતાન સરહદના વિવાદ વિશે જાહેરમાં બોલતું નથી. બીજી તરફ ચીન આવા નિર્માણકાર્ય દ્વારા પોતાના દાવાઓને વધુ મજબૂત કરી રહ્યું છે. સ્થાનિક લોકોના જીવન સ્તરને સુધારવા માટે આ નિર્માણકાર્ય હાથ ધરવામાં આવી રહ્યું હોવાનો ખુલાસો ચીનના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. ભારતે પણ ચીન પોતાની સરહદે જે કંઈ કરી રહ્યું છે એ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. આ નિર્માણકાર્યને કારણે ભારત, ચીન અને ભુતાનનો જોડતા ડોકલામ વિસ્તારમાં પણ ચીનને લાભ થશે. અહીં ૨૦૧૭માં ભારત અને ચીનના લશ્કર વચ્ચે સંઘર્ષ થયો હતો.