Chhatrapati Shivaji Maharaj Jayanti 2025: શિવાજી મહારાજને આવી દિલધડક શ્રદ્ધાંજલિ રશિયન આર્મીના સ્કાયડાઇવ ચીફ ઇન્સ્ટ્રક્ટર અને 27,000-જમ્પ માસ્ટર કર્નલ કોસ્ટ્યા ક્રિવોશીવના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
અજિત કારભારીએ રશિયામાં ડાઇવિંગ કરીને છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલી આપી
કી હાઇલાઇટ્સ
- 19 ફેબ્રુઆરીએ દેશભરમાં છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતીની ઉજવણી
- માઇનસ 36 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં કારભારીએ સ્કાય ડાઇવિંગ કરીને શ્રદ્ધાંજલી આપી
- રશિયાના એરોગ્લાઇડ કોલોમ્ના ખાતે L-410 વિમાનથી આ નોંધપાત્ર પરાક્રમ કરવામાં આવ્યું
આવતીકાલે 19 ફેબ્રુઆરી 2025ના રોજ દેશભરમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવવાની છે. શિવાજી મહારાજની જન્મજયંતીની ઉજવણી કરવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જોકે આ બધી તૈયારીઓ વચ્ચે એક એવી તૈયારી સામે આવી છે, જે ખરેખર સૌથી અનોખી છે. કારણ કે હાલમાં આ ભારતીયએ છત્રપતિ શિવાજી મહારાજને આંતરરાષ્ટ્રીય મંચ પર શ્રદ્ધાંજલિ આપી છે.
ભારત માટે એક ઐતિહાસિક અને ગર્વની ક્ષણમાં, મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ તાલુકાના કોલીવલી ગામના કુસ્તીબાજ કાઈ બલિરામ મહાદુ કારભારીના દીકરા અજિત કારભારીએ આંતરરાષ્ટ્રીય મંચ પર છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપનારા પ્રથમ ભારતીય નાગરિક તરીકે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. અજિત કારભારીએ 5,100 મીટર (16,732 ફૂટ) ની ઊંચાઈએ આકાશમાં શિવાજી મહારાજની તસવીરવાળો ધ્વજ ફરકાવીને મરાઠા યોદ્ધાને સન્માનિત કર્યા છે. રશિયાના એરોગ્લાઇડ કોલોમ્ના ખાતે L-410 વિમાનથી આ નોંધપાત્ર પરાક્રમ કરવામાં આવ્યું હતું, મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે અને માઇનસ 36 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં કારભારીએ સ્કાય ડાઇવિંગ કરીને શિવાજી મહારાજને આ અનોખી શ્રદ્ધાંજલી આપી હતી.
ADVERTISEMENT
View this post on Instagram
શિવાજી મહારાજને આવી દિલધડક શ્રદ્ધાંજલિ રશિયન આર્મીના સ્કાયડાઇવ ચીફ ઇન્સ્ટ્રક્ટર અને 27,000-જમ્પ માસ્ટર કર્નલ કોસ્ટ્યા ક્રિવોશીવના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમની સાથે યુનાઇટેડ સ્ટેટ્સ પેરાશૂટ એસોસિએશન (યુએસએ) સાથે સંકળાયેલા અનુભવી સ્કાયડાઇવિંગ કોચ રાહુલ દેસાઈ (ડાકરે) પણ સામેલ થયા હતા. અજિત કારભારીની આ અસાધારણ સિદ્ધિ છત્રપતિ શિવાજી મહારાજ પ્રત્યેના તેમના સમર્પણ, હિંમત અને ઊંડા આદરનો પુરાવો છે, જે ખાતરી કરે છે કે આવા એક મહાન મરાઠા યોદ્ધાનો વારસો ખરેખર નવી ઊંચાઈએ પહોંચ્યો છે. અજિતની આવી શ્રદ્ધાંજલિ મહારાષ્ટ્ર અને ભારત માટે અપાર ગૌરવની વાત છે, જે વૈશ્વિક મંચ પર દેશના ઇતિહાસ માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. અજિત કારભારી નવી મુંબઈ સંકુલ થાણેમાં સિવિલ ડિફેન્સના ડિવિઝન વોર્ડન છે.
વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ આપવા બનાવી ખાસ રંગોળી
છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે, કલ્યાણના વિદ્યાર્થીઓએ કલા શિક્ષકો સાથે મળીને શિવાજી મહારાજની સુંદર અને આકર્ષક રંગોળી બનાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ રંગોળી 5 બાય 8 ફૂટની છે અને કુલ 40 ચોરસ ફૂટ વિસ્તારને આવરી લે છે. આ રંગોળીને તૈયાર કરવામાં તેમને લગભગ ચારથી પાંચ કલાકનો સમય લાગ્યો હતો વિદ્યાર્થીઓ સાથે રંગોળી બનાવનાર શિક્ષકે આ પ્રસંગે જણાવ્યું હતું કે દર વર્ષે, અમે છત્રપતિ શિવાજી મહારાજ પ્રત્યેની અમારી શ્રદ્ધા અને લાગણીઓ વ્યક્ત કરવા માટે વિદ્યાર્થીઓ સાથે હંમેશા કોઈને કોઈ ઍક્ટિવિટી કરીએ છીએ, જેમાં રંગોળી, ચિત્રો અને વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ રંગોળીમાં શિવાજી મહારાજને મહાદેવની પૂજા કરતા બતાવવામાં આવ્યા છે.

