હવે દરેક વખતે કૅનેડા જવા વીઝા માટે અરજી કરવી પડશે, સમય અને નાણાંની બરબાદી થશે
પ્રતીકાત્મક તસવીર
કૅનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે ટૂરિસ્ટ વીઝાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે અને હવે ૧૦ વર્ષ માટે આપવામાં આવતા મલ્ટિપલ એન્ટ્રી વીઝા બંધ કરી દેવામાં આવ્યા છે. કૅનેડામાં ઘરોની અછત અને લિવિંગ કૉસ્ટમાં ભારે ઉછાળાને કારણે સરકારે આ નિર્ણય લીધો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
૨૦૨૩માં કૅનેડાએ ૧૨ લાખ ભારતીયોને મલ્ટિપલ એન્ટ્રી વિઝિટર્સ વીઝા ઇશ્યુ કર્યા હતા જેમાં ૬૦ ટકા પંજાબીઓ હતા. કૅનેડામાં રહેતાં સગાંસંબંધીઓને વારંવાર મળવા જતા લોકો માટે આ વીઝા ઉપયોગી હતા, કારણ કે એની વૈધતા ૧૦ વર્ષ કે પાસપોર્ટની એક્સપાયરી ડેટ સુધીની રહેતી હતી. એક વાર વીઝા મળ્યા બાદ માત્ર ટિકિટ ખરીદીને કૅનેડા જવાનું રહેતું હતું.
અગાઉ કૅનેડા માટે ટૂરિસ્ટ વીઝાની અરજી પર તમામને ૧૦ વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વીઝા અપાતા હતા, પણ હવે ટૂરિસ્ટોને તેમના અસેસમેન્ટના આધારે ટૂંકા ગાળાના વીઝા આપવામાં આવી શકે છે. અધિકારીઓ સિંગલ કે મલ્ટિપલ એન્ટ્રી વીઝા આપવાનો નિર્ણય કરશે, તેઓ જ વીઝાનો સમયગાળો નક્કી કરશે.
ADVERTISEMENT
આના કારણે હવે વારંવાર કૅનેડા આવતા લોકોએ વીઝા માટે વારંવાર અરજી કરવી પડશે. આમ તેમને દરેક વાર વીઝા-ફી, બાયોમેટ્રિક્સ-ફી વગેરે ભરવી પડશે અને વીઝા પ્રોસેસ થવામાં સમયની બરબાદી થશે.
કૅનેડાએ ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સ માટેના ફાસ્ટ-ટ્રૅક વીઝા રદ કર્યા
કૅનેડાએ શુક્રવારથી અમલમાં આવે એ રીતે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) વીઝા-પ્રોગ્રામને રદ કરી દીધો છે. આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય હતો. આ વીઝા-પ્રોગ્રામ હેઠળ ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સને સ્ટડી-પરમિટ મેળવવા માટે ઝડપથી વીઝા મળી જતા હતા. ઇમિગ્રેશન, રેફ્યુજીસ ઍન્ડ સિટિઝનશિપ કૅનેડા (IRCC)એ ૨૦૧૮માં ભારત સહિત ૧૪ દેશોના સ્ટુડન્ટ્સની વીઝા-અરજીને ઝડપી પ્રોસેસ કરી શકાય એ માટે આ પ્રોગ્રામ શરૂ કર્યો હતો.