કૅનેડાએ અમેરિકન વાહનો પર ૨૫ ટકા ટૅરિફ નાખી, ચીને અમેરિકન પ્રોડક્ટ્સ પર લગાવી ૩૪ ટકા ટૅરિફ
ઈલૉન મસ્ક અને ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ગત દિવસોમાં નવી ટૅરિફની જાહેરાત કરી હતી. ત્યાર બાદ કૅનેડાએ વળતો પ્રહાર કરતાં અમેરિકા પર પણ ટૅરિફ લગાવી છે. કૅનેડિયન વડા પ્રધાન માર્ક કાર્નીએ જાહેરાત કરી હતી કે યુએસ-મેક્સિકો-કૅનેડા વેપારસોદા અંતર્ગત ન આવતાં હોય એવાં અમેરિકાથી કૅનેડામાં આયાત કરવામાં આવતાં તમામ વાહનો પર ૨૫ ટકા ટૅરિફ લાદવામાં આવશે. આ નિર્ણય રેસિપ્રોકલ ટૅરિફ સામે બદલો લેનાર કૅનેડાને પ્રથમ દેશ બનાવે છે. અમેરિકાએ અગાઉ જાહેર કરેલી ટૅરિફ કૅનેડા પર લાદવામાં આવશે, પરંતુ નવીનતમ રેસિપ્રોકલ ટૅરિફ અસરકારક રહેશે નહીં એવું માર્ક કાર્નીએ જણાવ્યું હતું.
કૅનેડા બાદ ચીને પણ અમેરિકા પર ટૅરિફની જાહેરાત કરી હતી. અમેરિકાને વળતો જવાબ આપવા ચીને ૩૪ ટકા ટૅરિફની સાથે નિકાસ પર નિયંત્રણની પણ જાહેરાત કરી હતી. ચીન અમેરિકાને અત્યાર સુધી દુર્લભ ધાતુ જેવી કે સમારિયમ, ગેડોલિનિયમ, ટેરબિયમ આપતું હતું. જોકે શુક્રવારથી જ આ તમામ દુર્લભ ધાતુની નિકાસ પર નિયંત્રણ લવાયું છે.
ADVERTISEMENT
ગઈ કાલે ચીને અમેરિકાની પ્રોડક્ટ્સ પર ૩૪ ટકા ટૅરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ચીનના નાણાવિભાગે કહ્યું હતું કે ‘અમેરિકાની સરકારે ચીની સામાન પર ટૅરિફ લગાવી છે જે આંતરરાષ્ટ્રીય વેપાર નિયમોની વિરુદ્ધ છે અને અમારા અધિકારોનું હનન છે. આ પ્રકારની દાદાગીરી અમેરિકાનાં હિતોને જ નુકસાન પહોંચાડશે તથા સાથે-સાથે વૈશ્વિક આર્થિક વિકાસ અને સપ્લાય ચેઇન સામે ખતરો ઊભો કરશે.’
ચીને અગાઉ અમેરિકાને અપીલ કરી હતી કે જે પણ મતભેદ હોય એનું વાતચીતના માધ્યમથી સમાધાન લાવવું જોઈએ.
ડોનલ્ડ ટ્રમ્પ અને ઈલૉન મસ્કના વિરોધમાં આજે અમેરિકાભરમાં વિરોધ
એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ટૅરિફની જાહેરાત કરીને દુનિયાને દુવિધામાં મૂકી દીધી છે અને બીજી તરફ અમેરિકામાં સ્થિતિ ગંભીર બનતી નજરે પડી રહી છે. અમેરિકન શૅરબજારમાં કડાકો જોવા મળી રહ્યો છે અને અમેરિકનો ટ્રમ્પના વિરોધમાં રસ્તા પર ઊતરી રહ્યા છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશ્યન્સી (DOGE)ના વડા ઈલૉન મસ્ક વિરુદ્ધ ‘હૅન્ડ્સ ઑફ!’ બૅનર હેઠળ રાષ્ટ્રવ્યાપી વિરોધ-પ્રદર્શન થઈ રહ્યું છે. ટ્રમ્પવિરોધી પ્રદર્શન મૂળભૂત સ્વતંત્રતાઓને જોખમમાં મૂકતી વિવાદાસ્પદ નીતિઓના વિરોધમાં યોજાઈ રહ્યું છે. આ સાથે ગર્ભપાતના અધિકાર અને જળવાયુ પરિવર્તન જેવા ધ્રુવીકરણવાળા મુદ્દાઓ પર ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ પણ કરાઈ રહ્યો છે. વિરોધ-પ્રદર્શનોમાં આખા અમેરિકામાં હજારો લોકો સામેલ થવાની સંભાવના છે. તમામ ૫૦ રાજ્યોમાં પ્રદર્શનની યોજના બનાવવામાં આવી છે. આ આંદોલનથી ટ્રમ્પના સૌથી વિવાદાસ્પદ સહયોગી અરબપતિ ઈલૉન મસ્કને પણ નિશાન બનાવાઈ રહ્યા છે, કારણ કે તેમની સરકારી કર્મચારીઓની મોટા પ્રમાણમાં છટણી કરીને સરકારી ખર્ચ ઘટાડવાની રાષ્ટ્રપતિની પહેલનું નેતૃત્વ કરવામાં મહત્ત્વની ભૂમિકા હતી.

