પોખરાથી પશુપતિનાથનાં દર્શન માટે કાઠમાંડુ જઈ રહ્યા હતા
બસ નદીમાં પડતાં રહી ગઈ, પણ ત્યાંના ખડક પર અટકીને જોશભર પડતાં એના ફુરચેફુરચા ઊડી ગયા હતા. બચી ગયેલા અને ઘાયલ યાત્રાળુઓને બહાર કાઢી રહેલા નેપાલ લશ્કરના જવાનો અને રેસ્ક્યુ ટીમના મેમ્બર્સ.
મહારાષ્ટ્રના જળગાવના ૧૦૪ લોકો ૧૦ દિવસની યાત્રાએ ગયા હતા. તેઓ ગઈ કાલે નેપાલના પોખરાથી કાઠમાંડુ પશુપતિનાથનાં દર્શને જઈ રહ્યા હતા ત્યારે તેમની એક બસ સવારે ૧૧.૩૦ વાગ્યે મુખલીસપુરમાં મર્સ્યાંગદી નદીમાં પડી હતી. એ બસમાં ડ્રાઇવર અને બે ક્લીનર મળીને ૪૩ પ્રવાસીઓ હતા, જેમાંના ૧૬ જણ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૧૧ વ્યક્તિનાં સારવાર દરમ્યાન મૃત્યુ થયાં હતાં. અન્ય ૧૬ ઈજાગ્રસ્તોને ઍરલિફ્ટ કરીને કાઠમાંડુની હૉસ્પિટલ પહોંચાડ્યા હતા.
ઉત્તર પ્રદેશના ગોરખપુરના કેસરવાની ટ્રાવેલમાં ચારુ નામની મહિલાએ મહારાષ્ટ્રના આ યાત્રાળુઓ માટે બે બસ અને એક ટેમ્પો ટ્રાવેલર બુક કર્યાં હતાં. યાત્રાળુઓને પ્રયાગરાજથી પિક-અપ કરવામાં આવ્યા હતા. એ પછી તેઓ પહેલાં ચિત્રકૂટ ગયા હતા અને ત્યાંથી અયોધ્યા, લુમ્બિની થઈને નેપાલના પોખરા પહોંચ્યા હતા. યાત્રાળુઓ પોખરાના માઝેરી રિસૉર્ટમાં ઊતર્યા હતા. ત્યાંથી ગઈ કાલે સવારે તેઓ કાઠમાંડુ જવા રવાના થયા ત્યારે મુખલીસપુર વિસ્તારમાં પોખરા-મુગ્લિંગ રોડ પર આબુ ખૈરની પાસે તેમની બસ મર્સ્યાંગદી નદીમાં પડી હતી. એ પહેલાં બસ નદી પાસેના ખડકાળ પથ્થર પર પટકાઈ હતી જેમાં બસના ફુરચેફુરચા ઊડી ગયા હતા. આ ઘટનાની જાણ નેપાલ લશ્કરને કરવામાં આવતાં જવાનો બચાવકાર્ય માટે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનામાં ગોરખપુરના બસ-ડ્રાઇવર મુર્તુઝા ઉર્ફે મુસ્તફા સહિત અન્ય યાત્રાળુઓનાં મૃત્યુ થયાં હતાં.
ADVERTISEMENT
ઘટનાની જાણ પછી મહારાષ્ટ્ર સરકારને કરવામાં આવી હતી. રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને ગૃહખાતું સંભાળતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘રાજ્ય સરકારે આ દુર્ઘટના સંદર્ભે ઉત્તર પ્રદેશ સરકારનો સંપર્ક સાધી મહારાજગંજ જિલ્લા-અધિકારીને માહિતી પહોંચાડી છે અને ઘાયલોને બનતી સહાય કરવા જણાવ્યું છે. સાથે જ મહારાષ્ટ્રના ડિઝૅસ્ટર સેલને પણ વિગત આપીને સંપર્કમાં રહેવા જણાવાયું છે. રાજ્ય સરકારના પ્રધાનો ગિરીશ મહાજન અને અનિલ પાટીલને આ સંદર્ભે બનતી મદદ પૂરી પાડવા કો-ઑર્ડિનેટ કરવાનું કહેવાયું છે. તમામ મૃતદેહોને જળગાવ લાવવામાં આવશે અને જળગાવમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.’