મૃત્યુનો સાચો આંકડો જાણવા માટે ત્રણ દિવસ લાગશે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉન્ગોના લેક કિવુમાં ૨૭૮ પ્રવાસીઓ સાથેની એક બોટ ગુરુવારે સવારે ડૂબી જતાં આશરે ૭૮ પ્રવાસીઓનાં મૃત્યુ થયાં હતાં. બોટ એના ડેસ્ટિનેશન પાસે પહોંચવાની હતી એના થોડા મીટર પહેલાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ બોટ સાઉથ કિવુના મિનોવા શહેરથી ઊપડીને ગોમા ગામ તરફ જઈ રહી હતી અને કિનારા પાસે જ ડૂબી હતી.
આ બોટ ડૂબી રહી હોવાનો એક વિડિયો પણ સોશ્યલ મીડિયામાં જોરદાર વાઇરલ થયો છે. આ બોટમાં એની ક્ષમતા કરતાં વધારે પ્રવાસીઓ હોવાનું દેખાય છે અને પ્રવાસીઓના ભારને કારણે એ એક તરફ ઝૂકીને છેવટે ડૂબી જાય છે. આ પ્રાંતના સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુનો સાચો આંકડો જાણતાં ત્રણ દિવસ લાગશે, કારણ કે હજી સુધી અમને તમામ ડેડ-બૉડી મળી નથી. કૉન્ગોમાં આવી દુર્ઘટનાઓ સામાન્ય હોવાનું કહેવામાં આવે છે, કારણ કે બોટમાં હંમેશાં ક્ષમતા કરતાં વધારે પ્રવાસીઓ હોય છે અને તેમને લાઇફ-જૅકેટ જેવી સુવિધા પૂરી પાડવામાં આવતી નથી.