યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયાના સતત હુમલાના કારણે આ દેશમાં અંધારપટ છવાયો છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
મૉસ્કો ઃ યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયાના સતત હુમલાના કારણે આ દેશમાં અંધારપટ છવાયો છે, જેના કારણે યુક્રેનમાંથી મોટી સંખ્યામાં લોકોનું વધુ એક વખત યુરોપિયન દેશોમાં સ્થળાંતર થાય એવો ભય વ્યક્ત કરાયો છે.
બુધવારે તાપમાન શૂન્ય ડિગ્રીથી પણ ઓછું થઈ ગયું હતું ત્યારે યુક્રેનમાં લાખો લોકો હીટ, લાઇટ અને પાણી વિના રહ્યા હતા. રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના ફોર્સિસે યુક્રેનના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અનેક મિસાઇલો વરસાવી હતી.
રશિયાના મિસાઇલોના હુમલામાં પાવર લાઇન્સ નષ્ટ થતાં રીઍક્ટર્સ ઇલેક્ટ્રિસિટી પહોંચાડી શકે એમ ન હોવાથી યુક્રેનની ઑથોરિટીએ ત્રણ ન્યુક્લિયર પ્લાન્ટ્સને બંધ કર્યા હતા. તાજેતરના હુમલાઓના કારણે યુક્રેનની પાવર ગ્રિડને ૧.૯ અબજ ડૉલર (૧૫૫.૦૮ અબજ રૂપિયા)નું નુકસાન પહોંચ્યું છે. યુક્રેનની આર્મીના હાથે યુદ્ધના મેદાનમાં પરાજિત થયા બાદ રશિયા હવે યુક્રેનના જુસ્સાને તોડવા માટે વીજળી પહોંચાડવા માટેના એના માળખાને ટાર્ગેટ કરી રહ્યું છે.