મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ટોચના ચાર અબજપતિની યાદીમાં ફરીથી સ્થાન મેળવ્યું છે
માર્ક ઝકરબર્ગ
ફેસબુકના સહસ્થાપક અને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ટોચના ચાર અબજપતિની યાદીમાં ફરીથી સ્થાન મેળવ્યું છે, કેમ કે મેટાનો ત્રિમાસિક ગાળાનો નફો વૉલ સ્ટ્રીટની અપેક્ષા કરતાં વધુ આવ્યો છે. આથી, તેમની સંપત્તિમાં ૨૭ અબજ ડૉલરનો ઉમેરો થયો છે.
કંપનીના ત્રિમાસિક ગાળાના પરિણામ જારી કરવામાં આવ્યા બાદ મેટાના શૅર્સ ૨૦ ટકા વધ્યા હતા. સંપત્તિમાં નોંધપાત્ર વધારો થવા સહિત માર્ક ઝકરબર્ગની નેટવર્થ શુક્રવારે ૧૬૯ અબજ ડૉલરથી વધી ગઈ હતી. આમ, બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સમાં બિલ ગેટ્સને પાછળ હડસેલી ઝકરબર્ગે ચોથું સ્થાન મેળવ્યું હતું.
ADVERTISEMENT
માર્ક ઝકરબર્ગે જબરદસ્ત પુરાગમન કર્યું છે, કેમ કે ૨૦૨૨ના પાછલા હિસ્સામાં તેમની સંપત્તિ ૩૫ અબજ ડૉલરથી નીચે જતી રહી હતી અને ફુગાવા તથા વ્યાજદરમાં વધારાથી ટેક્નૉલૉજી શૅર્સ ધડામ થઈ ગયા હતા.
ઝકરબર્ગને બીજો પણ એક મોટો ફાયદો થયો છે. મેટાએ જાહેર કરેલા સૌપ્રથમ ડિવિડન્ડમાંથી ઝકરબર્ગને વાર્ષિક ૭૦ કરોડ ડૉલર મળશે. ઝકરબર્ગ કંપનીમાં ૩૫ કરોડ શૅર્સ ધરાવે છે. આથી દરેક ત્રિમાસિક ગાળામાં ટૅક્સ પૂર્વે ૧૭.૫ કરોડ ડૉલરની રકમ મેળવશે.