નેતન્યાહુ સહિતના ઇઝરાયલના સિનિયર લીડર્સને મારવાની યાદી તૈયાર હોવાનો સોશ્યલ મીડિયા પર દાવો
ફાઇલ તસવીર
હમાસ અને હિઝબુલ્લાના ચીફનો ખાતમો બોલાવ્યા બાદ નબળા પડી ગયેલા ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લા અલી ખોમેની ઇઝરાયલનો નેક્સ્ટ ટાર્ગેટ છે એવી અટકળો વચ્ચે ગઈ કાલે ઈરાને પણ એક ‘એક્ઝિક્યુશન લિસ્ટ’ બહાર પાડ્યું હોવાનું કહેવાય છે. જો આ લિસ્ટ સાચું હોય તો એમાં એણે ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહુ, ડિફેન્સ મિનિસ્ટર અને આર્મી, નેવી તથા ઍર ફોર્સના ચીફની હત્યા કરવાની યોજના બનાવી છે. આ બાબતે સોશ્યલ મીડિયામાં જે પોસ્ટર વાઇરલ થયાં છે એના વિશે ઈરાન કે ઇઝરાયલની સરકાર તરફથી કંઈ કહેવામાં નથી આવ્યું. જોકે ઈરાનની મિલિટરી ઇન્ટેલિજન્સના એક સિનિયર ઑફિસરે કહ્યું હતું કે નેતન્યાહુ પર કદાચ હુમલો ન પણ કરવામાં આવે, પણ ઇઝરાયલના સિનિયર ઑફિસરને છોડવામાં નહીં આવે.
દરમ્યાન, અત્યાર સુધી ઇઝરાયલે કરેલા હુમલાનું અમેરિકાએ સમર્થન કર્યું છે, પણ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને કહ્યું હતું કે જો ઇઝરાયલ ઈરાનનાં ન્યુક્લિયર ઠેકાણાંઓ પર હુમલો કરશે તો અમે એનું સમર્થન નહીં કરીએ.
ADVERTISEMENT
બીજી બાજુ, ઇઝરાયલે સિરિયામાં કરેલા હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરુલ્લાહના જમાઈ હસન ઝફર અલ-કાસીનનું પણ મૃત્યુ થયું હતું. આ હુમલામાં લેબૅનનના બે નાગરિક પણ માર્યા ગયા હતા.
સીઝફાયર છતાં હુમલો
લેબૅનનના વિદેશપ્રધાને ખુલાસો કર્યો છે કે હિઝબુલ્લાના ચીફ હસન નસરુલ્લાહની હત્યા કરવામાં આવી એના અઠવાડિયા પહેલાં બેન્જામિન નેતન્યાહુ અને હસન નસરુલ્લાહની વચ્ચે સીઝફાયર માટે સહમતી થઈ હતી છતાં આ હુમલો કરવામાં આવ્યો હતો.