પીએમ મોદીની ક્વાડ સમિટ માટે સિડનીની મુલાકાત પહેલાં આ હુમલો થયો
સિડનીના રોસેહિલ સબર્બના બૅપ્સ સ્વામીનારાયણ મંદિરની દીવાલને ગઈ કાલે નુકસાન પહોંચાડવામાં આવ્યું
ઑસ્ટ્રેલિયામાં વધુ એક હિન્દુ મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. પશ્ચિમ સિડનીના રોસેહિલ સબર્બના બૅપ્સ સ્વામીનારાયણ મંદિરને ખાલિસ્તાની સપોર્ટર્સે નુકસાન પહોંચાડ્યું છે.
ઑસ્ટ્રેલિયામાં બે મહિના સુધી ખાલિસ્તાની ઍક્ટિવિટીઝ શાંત રહ્યા બાદ આ ઘટના બની છે. નોંધપાત્ર છે કે આ પહેલાં ભારતે ઑસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૨૪મી મેના રોજ ક્વાડ સમિટ માટે સિડનીની મુલાકાત પહેલાં આ હુમલો થયો છે.
ADVERTISEMENT
ગઈ કાલે વહેલી સવારે સ્વામીનારાયણ મંદિરના મૅનેજમેન્ટે જોયું કે આ મંદિરની આગળની દીવાલો પર સ્પ્રેથી ‘ડિક્લેર મોદી ટેરરિસ્ટ’ લખવામાં આવ્યું હતું તેમ જ ગેટ પર ખાલિસ્તાની ઝંડો લટકાવાયો હતો.
હૅરિસ પાર્કમાં રહેતા અને આ સ્વામીનારાયણ મંદિરમાં રોજ જ દર્શન માટે જતાં સેજલ પટેલે કહ્યું હતું કે ‘હું સવારે પ્રાર્થના કરવા આવી તો મેં આગળની દીવાલને નુકસાન થયું હોવાનું જોયું હતું.’
મંદિરના મૅનેજમેન્ટે જણાવ્યું હતું કે પોલીસ ઑફિસર્સ મંદિરમાં આવ્યા હતા અને તપાસમાં મદદ મળે એ હેતુસર તેમને સીસીટીવીનું ફુટેજ આપવામાં આવ્યું છે.
આ વર્ષની શરૂઆતમાં ખાલિસ્તાની સપોર્ટર્સે મેલબોર્નમાં ત્રણ હિન્દુ મંદિરો અને બ્રિસબેનમાં બે હિન્દુ મંદિરોને નુકસાન પહોંચાડ્યું હતું.

