ચોથી ઑગસ્ટે નીતિન દેસાઈની પત્નીએ ખાલાપુર પોલીસ સ્ટેશનનો એફઆઇઆર નોંધાવવા માટે સંપર્ક કર્યો હતો
નીતિન દેસાઈ
બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે એ એડલવાઇસ ફાઇનૅન્શિયલ સર્વિસિસના ચૅરમૅન રસેશ શાહ અને એડલવાઇસ એઆરસીના એમડી અને સીઈઓ રાજકુમાર બંસલ સામે કથિત રીતે જાણીતા ફિલ્મ આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈને આત્મહત્યા માટે પ્રેરિત કરવા બદલ નોંધાયેલા એફઆઇઆરને રદ કરવાની માગ કરતી અરજી પર શુક્રવારે સુનાવણી કરશે.
શાહ અને એડલવાઇસ ઍસેટ રીકન્સ્ટ્રક્શન કંપનીના એમડી બંસલ ઉપરાંત કંપનીના અધિકારી સ્મિત શાહ, કેયુર મહેતા નામની અન્ય વ્યક્તિ અને નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ દ્વારા વચગાળાના રેઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે નિયુક્ત કરાયેલા જિતેન્દ્ર કોઠારીએ પણ એફઆઇઆર રદ કરવાની માગણી કરતી કોર્ટમાં અરજી કરી છે. તેમણે તેમની અરજીમાં કોઈ પણ જબરદસ્તી કાર્યવાહીથી વચગાળાના રક્ષણની પણ માગ કરી છે. બંસલ, શાહ અને અન્ય બે આરોપીઓ માટે હાજર રહેલા વરિષ્ઠ વકીલ અમિત દેસાઈએ જસ્ટિસ એન. ડબ્લ્યુ. સામ્બ્રેની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો અને તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી. કોઠારી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ આબાદ પોંડાએ કોર્ટને જણાવ્યું હતું કે કોઠારીની કોઈ ભૂમિકા ભજવવાની નથી અને તે પોતાની ફરજ બજાવવા માટે પણ સક્ષમ નથી. ખંડપીઠે ૧૧ ઑગસ્ટે અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી હતી.
ADVERTISEMENT
ચોથી ઑગસ્ટે નીતિન દેસાઈની પત્નીએ ખાલાપુર પોલીસ સ્ટેશનનો એફઆઇઆર નોંધાવવા માટે સંપર્ક કર્યો હતો. આ પછી શાહ અને બંસલ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. કોઠારી અને અન્ય બે વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ ૩૦૬ (આત્મહત્યા માટે ઉશ્કેરવું) અને ૩૪ (સામાન્ય હેતુ) હેઠળ એફઆઇઆર પણ નોંધવામાં આવ્યો હતો.
દેસાઈની કંપની એનડીસ આર્ટ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડે લેણદારોને ૨૫૨ કરોડ રૂપિયાની લોનની ચુકવણીમાં ડિફૉલ્ટ કર્યું હતું અને નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે તેની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરી હતી.
એડલવાઇસ એઆરસીએ એક નિવેદનમાં દેસાઈ પર લોનની વસૂલાત માટે કોઈ પણ અયોગ્ય દબાણ કરવામાં આવ્યું હોવાનો ઇનકાર કર્યો હતો. શાહ અને બંસલે તેમની અરજીમાં દાવો કર્યો હતો કે તેમણે રિવકરી માટે માત્ર સત્તાવાર પ્રક્રિયાનું પાલન કર્યું હતું.