સ્ટીવ જોબ્સ : સીઈઓ પદ છોડ્યા બાદ દુનિયા છોડી
ADVERTISEMENT
પ૬ વર્ષની વયે દુનિયાને અલવિદા કરી દેનારા સ્ટીવ જૉબ્સ ૨૦૦૪થી કૅન્સરથી પીડાઈ રહ્યા હતા. ગઈ કાલે ઍપલ કંપનીએ તેમના અવસાનની જાહેરાત કરી હતી.
૨૦૦૯માં સ્ટીવ જૉબ્સે લિવર ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યું હતું. સતત કથળતી જતી તબિયતને કારણે ગત ઑગસ્ટ મહિનામાં તેમણે ઍપલના સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર)ના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને ટીમ કુકને નવા સીઈઓ બનાવવામાં આવ્યા હતા. જોકે ત્યાર પછી પણ તેઓ ઍપલના ચૅરમૅનપદે ચાલુ રહ્યા હતા.
સંપર્કમાં રહેતાં શીખવ્યું : વડા પ્રધાન
વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે કહ્યું હતું કે ‘ઍપલ કંપનીના ભૂતપૂર્વ સીઈઓ સ્ટીવ જૉબ્સના અવસાનથી હું અત્યંત દુ:ખની લાગણી અનુભવી રહ્યો છું. તેઓ ખરા પ્રયોગશીલ હતા. તેમણે વિશ્વને એકબીજા સાથે જોડાતાં અને સંપર્કમાં રહેતાં શીખવ્યું હતું.’
અંત નજીક હોવા વિશે ખબર હતી
સ્ટીવ જૉબ્સનું જીવનચરિત્ર વૉલ્ટર ઇસાક્સન દ્વારા લખવામાં આવ્યું છે. એનું લોકાર્પણ ૨૧ નવેમ્બરે કરવામાં આવશે. આ પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્ટીવને તેમનું મૃત્યુ નજીક હોવા વિશે જાણ થઈ ગઈ હતી.
વિશ્વે એક દ્રષ્ટા ગુમાવ્યો : ઓબામા
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘વિશ્વે એક દ્રષ્ટા ગુમાવ્યો છે. સ્ટીવ જૉબ્સે શોધેલાં ઉપકરણોનો વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ થયો છે, એથી મોટી શ્રદ્ધાંજલિ તેમને બીજી કઈ હોઇ શકે?’
પર્સનલ કમ્પ્યુટરથી આઇપૅડની સફર
૧૯૭૬માં ઍપલ કંપનીની સ્થાપના કરી પર્સનલ કમ્પ્યુટર બનાવવાનું શરૂ કર્યું.
૧૯૮૫માં બોર્ડ ઑફ ડિરેક્ટર્સ સાથે સત્તાના ઘર્ષણ બાદ ઍપલ છોડી નેક્સ્ટ અને પિક્સર જેવાં સાહસો ખેડ્યાં.
૧૯૯૬માં ઍપલે નેક્સ્ટ કમ્પ્યુટર ખરીદી લેતાં સ્ટીવ ફરી ઍપલમાં જોડાયા.
૨૦૦૦માં ઍપલના સીઈઓ બન્યા.
૨૦૦૨માં આઇપૉડ લૉન્ચ કર્યું.
૨૦૦૩માં આઇટ્યૂન્સ લૉન્ચ કર્યું.
ઑગસ્ટ ૨૦૦૪માં સ્વાદુપિંડના કૅન્સરનો ભોગ બન્યા.
૨૦૦૭માં આઇફોન લૉન્ચ કર્યો.
૨૦૦૯ના જૂનમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું.
૨૦૧૦ના જાન્યુઆરીમાં આઇપૅડ લૉન્ચ કર્યું.
૨૦૧૧માં ૧૭ જાન્યુઆરીથી કંપનીના રોજબરોજના કામકાજમાંથી બ્રેક લઈ આરોગ્ય પર ધ્યાન કેãન્દ્રત કરવાની જાહેરાત કરી.
૨૦૧૧માં ૧૧ માર્ચે આઇપૅડ ટૂ લૉન્ચ કર્યું.
૨૦૧૧માં ૨૪ ઑગસ્ટે ઍપલના સીઈઓ તરીકે રાજીનામું આપ્યું.
૨૦૧૧માં પ ઑક્ટોબરે આઇફોન ફોરએસ લૉન્ચ કર્યો.
૨૦૧૧માં છઠ્ઠી ઑક્ટોબરે અવસાન પામ્યા.
ભારતની ગિફ્ટ : બૌદ્ધ ધર્મ
વિશ્વની અનેક હસ્તીઓની માફક ઍપલના સહસ્થાપક સ્ટીવ જૉબ્સ માટે પણ ભારત અધ્યાત્મનો સ્રોત બની ગયું હતું. સ્ટીવ જૉબ્સ ૧૯૭૦માં અમેરિકામાં એક વિડિયો ગેમ ઉત્પાદક કંપનીમાં ટેãક્નશ્યન તરીકે કામ કરતા હતા ત્યારે તેઓ થોડા પૈસા બચાવીને ભારત આવ્યા હતા. તેઓ અહીંના અધ્યાત્મથી પ્રભાવિત થયા હતા. સમય જતાં તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.