પાડોશી દેશના સંરક્ષણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીઓને મોકૂફ રાખવાનાં કારણોમાં ભારત તરફથી ખતરો તેમ જ રૉની ઍક્ટિવિટીઝને સામેલ કરી છે
ભારતને કારણે પાકિસ્તાનમાં ચૂંટણી મોકૂફ રાખવાની અપીલ
ઇસ્લામાબાદ ઃ બડાશ મારતા રહેતા પાકિસ્તાનને ભારતથી ડર લાગી રહ્યો છે. આ વાત પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે આ દેશની સુપ્રીમ કોર્ટમાં સ્વીકારી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે ચૂંટણીઓ મોકૂફ રાખવા માટેની એની અપીલમાં ભારત તરફથી ખતરો તેમ જ આતંકવાદી હુમલા સહિત અનેક કારણો ગણાવ્યાં છે.
સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા એના રિપોર્ટમાં ભારતની સાથે ચારેતરફથી મોટા પાયે યુદ્ધની શક્યતા વ્યક્ત કરી છે. મંત્રાલયને ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સી રૉ (રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિન્ગ)ની વધતી ઍક્ટિવિટીસનો પણ ભય છે. એ સિવાય આ મંત્રાલયે પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં ચૂંટણીઓ યોજાય તો પાકિસ્તાની તાલિબાન અને બલૂચ ગ્રુપ્સ તરફથી હુમલાનો પણ ભય છે.
આ રિપોર્ટમાં વધુ જણાવવામાં આવ્યું છે કે અન્ય દેશોમાંથી પાકિસ્તાનમાં પાછા ફરી રહેલા આઇએસઆઇએસ (ઇસ્લામિક સ્ટેટ્સ)ના આતંકવાદીઓ પણ ચિંતાનું કારણ છે. અનેક આતંકવાદીઓ સિરિયા, યમન અને મિડલ ઈસ્ટમાંથી પાકિસ્તાનમાં પાછા ફરી રહ્યા છે. આ રિપોર્ટ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં રજૂ કરીને અદાલતના ચૂંટણીની તારીખ માટેના આદેશને પાછો ખેંચી લેવાની અપીલ પણ કરવામાં આવી છે.
પાકિસ્તાની ન્યુઝપેપર ‘ધ ડૉન’ અનુસાર આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પંજાબ પ્રાંતમાં ચૂંટણીઓથી પાકિસ્તાનમાં વંશીય સંઘર્ષ, જળવિવાદ અને અન્ય મુદ્દાઓને લઈને તનાવ વધી શકે છે, જેનો ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી રૉ લાભ લઈ શકે છે.
આ રિપોર્ટ અનુસાર પંજાબમાં અત્યંત તનાવજનક માહોલના કારણે ત્યાં અસ્થિરતાની શક્યતા છે. પંજાબમાં જુદી-જુદી પૉલિટિકલ પાર્ટીઓના ટોચના નેતાઓને ધમકી આપવામાં આવી રહી છે.
સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે જો આતંકવાદી હુમલો થશે તો એનાથી અરાજકતા ફેલાશે અને વધુ રાજકીય ધ્રુવીકરણ થશે. જુદી-જુદી પૉલિટિકલ પાર્ટીઓના કાર્યકરોની વચ્ચે અથડામણની શક્યતા તાજેતરમાં ખૂબ વધી છે, જેના લીધે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જટિલ બની જશે અને આતંકવાદીઓ માટે એવી સ્થિતિ અનુકૂળ રહેશે.
ભારત વિશે વધુ જણાવવામાં આવ્યું છે કે ‘ગ્લોબલ ગ્રેટ ગેમ’માં ભારતના દબદબાના કારણે પાકિસ્તાનને સતત નુકસાન થઈ શકે છે.