પ્રયાગરાજની અનામિકા શર્માએ બૅન્ગકૉકમાં ૧૩,૦૦૦ ફુટની ઊંચાઈએ ‘દિવ્ય કુંભ, ભવ્ય કુંભ’નો ધ્વજ લઈને સ્કાયડાઇવિંગ કર્યું
અનામિકા શર્મા
મૂળ પ્રયાગરાજની વતની ૨૪ વર્ષની અનામિકા શર્માએ બુધવારે બૅન્ગકૉકમાં ૧૩,૦૦૦ ફુટની ઊંચાઈએથી ‘દિવ્ય કુંભ, ભવ્ય કુંભ’નો ધ્વજ લઈને સ્કાયડાઇવિંગ કર્યું હતું અને દુનિયાભરના લોકોને મહાકુંભમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતમાં સૌથી ઓછી ઉંમરે અનામિકાએ SKY C લાઇસન્સ મેળવ્યું હતું. પિતા અને ભૂતપૂર્વ ઍરફોર્સ ઑફિસર અજયકુમાર શર્માની પ્રેરણાથી માત્ર ૧૦ વર્ષની વયે તેણે આકાશમાંથી પહેલી વાર છલાંગ લગાવી હતી.
આ ઘટના વિશે પૂછવામાં આવતાં અનામિકા શર્માએ કહ્યું હતું કે ‘આપણી પરંપરા રહી છે કે જ્યારે પણ વિશ્વકલ્યાણ માટે કોઈ પણ આયોજન થાય છે તો ભારતનાં તમામ પ્રાણીઓ પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપે છે. મારા પિતા પાસેથી મને આમ કરવાની પ્રેરણા મળી હતી.’
ADVERTISEMENT
આ પહેલાં ગયા વર્ષે બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા અને રામ મંદિરના ઉદ્ઘાટનની ઐતિહાસિક ક્ષણને અવિસ્મરણીય બનાવવા માટે તેણે બૅન્ગકૉકમાં ‘જય શ્રી રામ’ અને ‘શ્રી રામ મંદિર’ના ધ્વજ સાથે ૧૩,૦૦૦ ફુટની ઊંચાઈએથી સ્કાય-ડાઇવિંગ કર્યું હતું.
અનામિકા સ્કાયડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર છે અને તે ટ્રેઇન્ડ સ્કુકા ડાઇવર પણ છે. પરિણામે તે સ્કાયડાઇવિંગ કર્યા પછી પાણી પર ઊતરી શકે છે.