Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પર્યુષણ પર્વમાં જૈનો તેમનાં તપ-જપ અરિહાની મુક્તિ માટે સમર્પિત કરે

પર્યુષણ પર્વમાં જૈનો તેમનાં તપ-જપ અરિહાની મુક્તિ માટે સમર્પિત કરે

31 August, 2024 02:05 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જર્મનીમાં બે મહિનાથી અરિહાને મમ્મી-પપ્પાને મળવાની છૂટ અને ઘરનું શાકાહારી જૈન ભોજન મળી રહ્યાં છે ત્યારે અરિહા બચાવો ટીમની અપીલ

અરિહા

અરિહા


આજથી શરૂ થતા જૈનોના પર્યુષણ પર્વમાં દેશ-વિદેશના બધા જ જૈનો તેમનાં તપ-જપ સાડાત્રણ વર્ષથી જર્મનીના ચાઇલ્ડ સેન્ટરમાં સબડતી ભારતીય મૂળની જૈન દીકરી અરિહાની મુક્તિ માટે સમર્પિત કરે એવી અપીલ અરિહા બચાવો ટીમ તરફથી ગઈ કાલે કરવામાં આવી છે. થોડીક રાહતની વાત એ છે કે અરિહાને છેલ્લા બે મહિનાથી તેનાં મમ્મી-પપ્પાને મળવાની અને ઘરનું શાકાહારી જૈન ભોજન જમવાની છૂટ મળી છે.


આ બાબતની માહિતી આપતાં અરિહા બચાવો ટીમના અમદાવાદના અગ્રણી યતીન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈન સાધુ-સંતોની દેશભરના સંસદસભ્યો અને રાજનેતાઓ, વિદેશના જૈન સમાજ અને જર્મનીની સરકારની સાથે સતત વાટાઘાટો પછી છેલ્લા બે મહિનાથી અરિહાને તેનાં મમ્મી-પપ્પાને જર્મનીના ફોસ્ટર સેન્ટરમાં મળવાની છૂટ મળી છે. અમારી પહેલા દિવસથી આપણી સરકાર અને જર્મન સરકાર પાસે માગણી હતી કે અરિહાએ ભારતીય ભાષાકીય, સાંસ્કૃતિક અને સામાજિક વાતાવરણમાં રહેવું અતિ મહત્ત્વપૂર્ણ છે. સૌથી મહત્ત્વનું તો એ છે કે મૂળ ભાઈંદરની અરિહા તેના ગર્ભસંસ્કાર, પૂર્વભવના સંસ્કાર અને ગળથૂથીમાં મળેલા જૈન ધર્મના પુણ્યપ્રતાપે હજી ભારતીય સંસ્કૃતિને ભૂલી નથી. ફોસ્ટર સેન્ટરના અનેક પ્રયાસો પછીયે તે આજે પણ ત્યાંની સંસ્કૃતિને અપનાવ્યા વગર ભારતીય સંસ્કૃતિની જેમ તેનાં મમ્મી-પપ્પા સાથે હાથ જોડીને જ વાતો કરે છે. તેના જૈન ધર્મના સંસ્કારને કારણે અરિહા જૈનોના અદ્ભુત નવકાર મંત્રને બોલી રહી છે, શીખી રહી છે. તેને હવે ઘરેથી તેનાં મમ્મી-પપ્પાના હાથનું શાકાહારી જૈન ભોજન મળવાથી તેના ચહેરા પર ખુશાલી વર્તાઈ રહી છે. આ પરિસ્થિતિમાં હવે જૈન સમાજ માટે જ નહીં, આર્ય સંસ્કૃતિમાં ઘડાયેલા દેશ-વિદેશના બધા લોકો અરિહા આ જ વાતાવરણમાં ઊછરે અને વહેલી તકે આપણા દેશની ધરતી પર પાછી ફરે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરે એવી અમારી વિનંતી છે.’



જર્મનીના ફોસ્ટર સેન્ટરમાં અરિહા માટે બદલાયેલા વર્તન માટે યતીન શાહે કહ્યું હતું કે ‘છેલ્લા થોડા સમયથી અરિહા ફક્ત આપણા દેશની સરકાર માટે જ નહીં, જર્મન સરકાર માટે પણ પ્રાણપ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. આ સમયે ઑક્ટોબર મહિનામાં જર્મનીથી એક ડેલિગેશન ભારત આવી રહ્યું છે. આ પહેલાં તેમના પ્રતિનિધિઓ ભારત આવ્યા હતા ત્યારે તેમની સાથે પણ કડક શબ્દોમાં અરિહાને પાછી ભારત મોકલવા માટે અને ફોસ્ટર સેન્ટરમાંથી મુક્તિ આપવા માટેની માગણી કરવામાં આવી હતી. આથી ઑક્ટોબર મહિનામાં તેમના ડેલિગેશન સામે કોઈ પ્રકારની નારાબાજી ન થાય એ માટે અત્યારથી ત્યાંની સરકાર અને ફોસ્ટર સેન્ટર વચ્ચે અરિહાના મુદ્દે વાદવિવાદ શરૂ થઈ ગયો છે. આપણા દેશમાં દીકરી બચાવોના નારા લાગી રહ્યા છે ત્યારે આપણા દેશની અરિહાને બચાવવા માટે બધા ધર્મના લોકોએ આ ભારતીય દીકરી છે એ લક્ષ સાધીને તેને બચાવવા માટે અગ્ર ભૂમિકા ભજવવાની જરૂર છે.’


દેશ-વિદેશમાંથી મૉરલ સપોર્ટ 

અરિહાનાં મમ્મી-પપ્પાની લડતને પહેલા દિવસથી જ ભારતના જૈન સમાજ, જૈન સાધુ-સંતો અને જૈન અગ્રણીઓ ભારતનાં અનેક શહેરોમાં આંદોલનો કરીને મૉરલ સપોર્ટ આપી રહ્યા હતા. જર્મની સહિત વિશ્વભરના જૈન-ગુજરાતી સમાજો દ્વારા જર્મન સરકાર પર દબાણ લાવવા માટે અને અરિહા ભારતને ન સોંપી શકો તો અમને સોંપી દો, અમે અરિહાની જવાબદારી લેવા તૈયાર છીએ એવી માગણી કરવામાં આવી હતી.


અરિહાનો મામલો શું છે?

અરિહાનો જન્મ ફેબ્રુઆરી ૨૦૨૧માં બર્લિનમાં થયો હતો. સપ્ટેમ્બર ૨૦૨૧માં અરિહાનું ડાઇપર ચેન્જ કરવા જતાં તેનાં દાદીથી અજાણતાં જ અરિહાના પ્રાઇવેટ પાર્ટ પર ઈજા થયા બાદ જર્મનીની સરકાર દ્વારા અરિહાને તેનાં મમ્મી-પપ્પાથી દૂર કરીને જર્મનના ફોરેસ્ટ કૅર સેન્ટરમાં મૂકી દેવામાં આવી હતી. 

અરિહાનાં મમ્મી-પપ્પા અને જૈન સમાજ છેલ્લાં સાડાત્રણ વર્ષથી કોની સાથે અને કેવી રીતે લડી રહ્યાં છે એનો આખો ઘટનાક્રમ

એપ્રિલ ૨૦૨૨
અરિહા આપણા ગુજરાતની દીકરી છે એમ કહીને નરેન્દ્ર મોદીને પ્રાર્થનાપત્ર મોકલીને કહ્યું હતું કે અરિહાને આપણા દેશમાં અને આપણી સંસ્કૃતિમાં ઉછેરવાનો સંવિધાનિક અધિકાર છે. આપશ્રીના હસ્તક્ષેપ વગર અરિહાને પાછી લાવવી હવે અશક્ય જણાઈ રહ્યું છે. આપશ્રી અમારા માટે આશાનું છેલ્લું કિરણ છો.

જૂન ૨૦૨૨
જર્મનીના પેનકોવમાં એક જિલ્લા અદાલતે બે ચુકાદામાં ૨૮ મહિનાની અરિહા શાહની કસ્ટડી તેના બાયોલૉજિકલ પેરન્ટ્સને આપવાનો ઇનકાર કર્યો હતો અને આ બાળકી બાળકોના કલ્યાણ માટેની એજન્સીને સોંપી હતી. નવાઈની વાત એ હતી કે અરિહાનાં મમ્મી-પપ્પાને જર્મનીની કોર્ટે બધા જ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી દીધાં હતાં. આમ છતાં અરિહાને તેમને પાછી સોંપવામાં આવી નહોતી. એનાથી વધારે પણ શૉકિંગ એ હતું કે તેમણે અરિહાને આપેલાં તમામ ભારતીય કપડાં, રમકડાં, પાણીની બૉટલ પરત કરી દેવામાં આવ્યાં હતાં.

૨૩ જૂને મુંબઈમાં જર્મન એમ્બેસીની સામે અને આઝાદ મેદાનમાં મુંબઈના ગુજરાતી બિઝનેસમેનોએ આંદોલન કર્યું હતું. આ આંદોલન અંતર્ગત આ બિઝનેસમેનોએ કહ્યું હતું કે અમારી અરિહાને પાછી સોંપી દો, નહીંતર અમારે જર્મનીની કાર સહિતની બધી જ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવો પડશે.

જુલાઈ ૨૦૨૨
જર્મનીના ફ્રૅન્કફર્ટ શહેરમાં રહેતા ભારતીય રહેવાસીઓએ જર્મનીની સડક પર ‘મોદીજી, અરિહા બચાવો’ના નારા લગાવ્યા હતા. આ રહેવાસીઓએ જોરદાર પ્રદર્શન 
કરીને જર્મન સરકારને અરિહા શાહને ભારતને સોંપવાની માગણી કરી હતી. 

ઑગસ્ટ ૨૦૨૨
દેશનાં બધાં જ રાજ્યોના અને રાજકીય પક્ષોના સંસદસભ્યો તેમની લડતમાં સાથ અને સહયોગ આપે એ ઉદ્દેશથી અરિહાનાં મમ્મી-પપ્પા ભાવેશ અને ધારા શાહ અનેક સંસ્થાઓના સહયોગથી ઠેર-ઠેર રૅલીઓ યોજી હતી. દેશના બધા સંસદસભ્યો, સામાજિક કાર્યકરો અને અન્ય મહાનુભાવો સહિત ૮૦૦ લોકોને અરિહા તરફથી મને ભારત પાછી લાવવા માટે મદદ કરો એવી વિનંતી સાથે રાખડી મોકલવાની ઝુંબેશ શરૂ કરી હતી.

ડિસેમ્બર ૨૦૨૨
એસ. જયશંકરે અરિહાનો મુદ્દો જર્મની સમક્ષ મૂક્યો હતો અને તેમને આ બાબતમાં ભારતની ચિંતાઓ પણ વ્યક્ત કરી હતી. આ સિવાય અરિહાની મમ્મીએ દિલ્હીના જંતરમંતર મેદાનમાં અનેક વાર ધરણાં કર્યાં હતાં. દેશભરના જૈન સમાજોએ રૅલીઓ કાઢીને સરકાર પર દબાણ લાવવાની કોશિશ કરી હતી. 

મુખ્ય પ્રધાનોને પત્ર
જર્મન સરકારના આ પગલાથી અરિહાની મમ્મી ધારા અને પપ્પા ભાવેશ શાહ એકદમ ભાંગી પડ્યાં હતાં અને હચમચી ગયાં હતાં. જર્મનીમાંથી પોતાની દીકરીને બચાવી લેવા અરિહાની મમ્મી ધારા શાહે અરિહાને ભારત પાછી લાવવા માટેની વિનંતી કરતા પ્રાર્થનાપત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ અને મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેને લખ્યા હતા.

આ આંદોલન સમયે અરિહાની હાલત
આ ભારતીય બાલિકાને અત્યારે એવા ચાઇલ્ડ સેન્ટરમાં રાખવામાં આવી છે જ્યાં વધારે બાળકો માનસિક રીતે અક્ષમ છે. તેની હાલત ભયંકર ખરાબ હતી. તે તેનાં મમ્મી-પપ્પાથી દૂર હતી. અરિહાની ચાઇલ્ડ સેન્ટરમાં કૅર કરવાને બદલે તેઓ ઉપેક્ષા કરી રહ્યા હતા. તેને ભૂખી અને ગંદાં કપડાંમાં ચાઇલ્ડ સેન્ટરમાં રાખવામાં આવતી હતી.

Whatsapp-channel Whatsapp-channel

31 August, 2024 02:05 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK