છેડતીનો ભોગ બનેલી મહિલાઓને ન્યાય અપાવવાના મોદી સરકારના પ્રયત્નોને બાઇડન પ્રશાસને આપ્યો ટેકો
અમેરિકાએ મણિપુરની ઘટનાને ગણાવી ભયાવહ
વૉશિંગ્ટન : મણિપુરમાં બે મહિલાઓ પર થયેલા હુમલાના વિડિયોથી અમેરિકાએ આઘાતની લાગણી અનુભવી છે તેમ જ તેમને ન્યાય અપાવવાના મોદી સરકારના પ્રયત્નોને ટેકો આપ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન વહીવટીતંત્રના અધિકારીએ ૧૯ જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવેલી ચોથી મેના રોજ બનેલી ઘટના વિશે આ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી, જેમાં બે મહિલાઓની નગ્ન પરેડ કરાવવામાં આવી હતી. એટલું જ નહીં, તેમની પુરુષોની ટોળાઓ દ્વારા છેડતી પણ કરાઈ હતી. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે ‘મણિપુરની મહિલા પર થયેલા હુમલાની ઘટના ભયભીત કરનારી છે. આ પ્રકારની હિંસાનો ભોગ બનેલા લોકો પ્રત્યે અમે સહાનુભૂતિ વ્યકત કરીએ છીએ તેમ જ તેમને ન્યાય અપાવવાના ભારત સરકારના પ્રયાસોનું સમર્થન કરીએ છીએ. મણિપુરમાં હિંસાની ઘટના માટે જવાબદાર વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ આવે એવી આશા રીખીએ છીએ. સરકાર તમામ લોકોની સંપત્તિનું રક્ષણ કરે એવી આશા રાખીએ છીએ.’
વડા પ્રધાને ગયા સપ્તાહે મણિપુરની ઘટના મામલે ભારે દુ:ખ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો તેમ જ કહ્યું હતું કે આ ઘટના ૧૪૦ કરોડ ભારતીયો માટે શરમજનક ઘટના છે. મણિપુરના મૈતેયી સમાજને શેડ્યુલ ટ્રાઇબ (એસટી)નો દરજ્જો આપવાના મામલે ત્રીજી મેના રોજ ટ્રાઇબલ સૉલિડારિટી માર્ચનું આયોજન રાજ્યમાં કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ત્યાં હિંસક તોફાનો ફાટી નીકળ્યાં હતાં. મણિપુરમાં ૫૩ ટકા વસ્તી મૈતેયીની છે જેઓ ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નાગા અને કુકી આદિવાસીઓની સંખ્યા ૪૦ ટકા છે જે પહાડી જિલ્લાઓમાં રહે છે.
દરમ્યાન અમેરિકામાં કાર્યરત મણિપુરના એક જૂથે રાજ્યમાં હિંસાનો તાત્કાલિક અંત લાવવા માટે રાષ્ટ્રપતિ શાસનની માગ કરી હતી. મણિપુર ટ્રાઇબલ અસોસિએશનના પ્રમુખ ફ્લોરેન્સ લોવે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘સરકારે આ મામલે કંઈ ન કહેવાનો અને કંઈ ન કરવાનો નિર્ણય લીધો છે.’