અમેરિકન પ્રેસિડન્ટે યુક્રેનના યુદ્ધનો અંત લાવવા માટે પુતિનને મળવાની તૈયારી બતાવી, જેના જવાબમાં રશિયાએ કહ્યું કે અમને કોઈ શરત મંજૂર નથી
ફાઇલ તસવીર
યુક્રેનના યુદ્ધમાં સતત પરાજય મળ્યા બાદ રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના સૂર નરમ પડ્યા હોય એમ જણાય છે અને એની સાથે જ આ યુદ્ધનો અંત આવી જાય એવી શક્યતા જણાઈ રહી છે. રશિયાએ ગઈ કાલે જણાવ્યું હતું કે પુતિન યુક્રેનના યુદ્ધમાં સંભવિત સમાધાન પર વાતચીત કરવા તૈયાર છે અને તેઓ રાજદ્વારી ઉકેલમાં માને છે. વાસ્તવમાં આ કમેન્ટ્સ એવા સમયે આવી છે જ્યારે અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને રશિયાના આ લીડર સાથે વાતચીત કરવાની તૈયારી બતાવી છે.
આ પહેલાં બાઇડને કહ્યું હતું કે ‘વ્લાદિમીર પુતિન યુક્રેનમાંથી પોતાનાં દળોને પાછાં ખેંચી લે એ જ આ યુદ્ધનો અંત લાવવાનો એકમાત્ર ઉપાય છે. જો પુતિન આ યુદ્ધનો અંત લાવવા ઇચ્છતા હોય તો હું તેમની સાથે વાતચીત કરવા તૈયાર રહીશ.’
ADVERTISEMENT
જોકે રશિયાના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે ભારપૂર્વક જણાવ્યું હતું કે પુતિન વાતચીત કરવા તૈયાર છે, પરંતુ રશિયા યુક્રેનમાંથી પોતાનાં દળોને પાછાં ખેંચશે નહીં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુક્રેન પર યુદ્ધ કરવાનો પુતિનને કોઈ અફસોસ નથી, બલકે ‘ઘમંડી’ પશ્ચિમી આધિપત્યની વિરુદ્ધ રશિયા મેદાને પડ્યું એને તેઓ ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ ક્ષણ માને છે.
પેસ્કોવે એમ પણ જણાવ્યું કે ‘યુક્રેન પાસેથી મેળવવામાં આવેલા ‘નવા પ્રદેશો’ને અમેરિકા માન્યતા આપવા માગતું નથી અને એને લીધે એક રશિયન તરીકે કોઈ સમાધાન શોધતાં ખચકાટ થાય છે. સાર એટલો છે કે બાઇડને કહ્યું છે કે પુતિન યુક્રેન છોડે તો જ વાતચીત શક્ય છે. જોકે યુક્રેનમાં રશિયાનું મિલિટરી ઑપરેશન સતત ચાલુ રહેશે. જોકે એની સાથે જ પ્રેસિડન્ટ પુતિન વાતચીત માટે તૈયાર છે.’
100000
રશિયાના આટલા સૈનિકો યુક્રેનના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હોવાનું યુક્રેનના પ્રેસિડન્ટના સલાહકાર મિખેલો પોડોલિકે જણાવ્યું હતું.
13000
યુક્રેનના આટલા સૈનિકો આ યુદ્ધમાં માર્યા ગયા હોવાનું યુક્રેનના અધિકારીઓ જણાવી રહ્યા છે.