૭૨૦૦ કરોડ રૂપિયાની ચુકવણી નહીં થાય તો અદાણી પાવર વીજપુરવઠો કટ કરી દેશે
પ્રતીકાત્મક તસવીર
બંગલાદેશને વીજપુરવઠો પૂરો પાડતી અદાણી પાવરની સબસિડિયરી કંપની અદાણી પાવર ઝારખંડ લિમિટેડે બંગલાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડને જાણ કરી છે કે જો ૭ નવેમ્બર સુધીમાં તેમની ૮૫૦ મિલ્યન ડૉલર (આશરે ૭૨૦૦ કરોડ રૂપિયા) રકમની ચુકવણી કરવામાં નહીં આવે તો તેઓ પાવર સપ્લાય કટ કરી દેશે. અદાણી પાવરે આ પહેલાં પણ ૩૦ ઑક્ટોબર સુધીમાં જૂની રકમ ચૂકવી દેવાની મુદત આપી હતી, પણ હજી સુધી આ રકમની ચુકવણી કરવામાં આવી નથી.
આ રકમ ન મળતાં અદાણી પાવરે વીજપુરવઠો અડધો કરી દીધો છે. બંગલાદેશમાં હાલમાં ૧૬૦૦ મેગાવૉટ વીજપુરવઠાની ઘટ છે. અદાણી પાવરપ્લાન્ટની ક્ષમતા ૧૪૯૬ મેગાવૉટની છે, પણ તેઓ ૭૦૦ મેગાવૉટ વીજળીનું ઉત્પાદન કરે છે.
ADVERTISEMENT
બંગલાદેશમાં સત્તાપરિવર્તન બાદ નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર પાસે વિદેશી હૂંડિયામણ નથી અને તેથી તેઓ ૧૭૦ મિલ્યન ડૉલરના લેટર ઑફ ક્રેડિટને પણ આપી શકે એવી સ્થિતિમાં નથી. બંગલાદેશ હાલમાં માત્ર દર અઠવાડિયે ૧૮ મિલ્યન ડૉલર (આશરે ૪૧ કરોડ રૂપિયા)ની ચુકવણી કરે છે. જોકે અદાણી પાવર દર અઠવાડિયે ૨૨ મિલ્યન ડૉલર (આશરે ૫૦ કરોડ રૂપિયા)ની વીજળી પૂરી પાડે છે. આમ દર અઠવાડિયે અનપેઇડ બૅલૅન્સ વધી રહ્યું છે.