ઇઝરાયલના ગાઝા પરના હુમલામાં ત્રણ દિવસમાં ૫૦૦થી વધુ લોકોનાં મોત, પણ...
કાટમાળમાંથી જીવતી મળી આવી માત્ર એક મહિનાની બાળકી
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો ભંગ થયો છે ત્યારથી ઇઝરાયલી સેના ગાઝાપટ્ટીમાં એક બાદ એક હવાઈ અને જમીની હુમલાઓ કરી રહી છે. આ હુમલામાં ૩ દિવસમાં ૫૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. આ હુમલામાં માત્ર એક મહિના પહેલાં જન્મેલી એક માસૂમ બાળકીનો સદનસીબે બચાવ થયો છે. જોકે તેનાં મમ્મી-પપ્પાનું મૃત્યુ થયું છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં બાળકીને કાટમાળ નીચેથી બચાવતી જોઈ શકાય છે. તે એક વિશાળ સ્લૅબ નીચે દટાયેલી હતી.
ગુરુવારે રાહત અને બચાવટીમો ધરાશાયી થયેલા બિલ્ડિંગનો કાટમાળ હટાવી રહી હતી ત્યારે તેમને કાટમાળ નીચેથી એક બાળકીનો રડવાનો અવાજ સંભળાયો હતો. ત્યાર બાદ બચાવટીમ તાત્કાલિક તેને બહાર કાઢવા માટે કામે લાગી ગઈ હતી. કાટમાળ કાળજીપૂર્વક દૂર કર્યા પછી બાળકી જીવતી મળી આવતાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી અને સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

