ભારતીય મૂળના રિશી સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીનો પરાજય : કીર સ્ટાર્મર નવા વડા પ્રધાન ઃ કાશ્મીર મુદ્દે ભૂતકાળની ઐતિહાસિક ભૂલો સુધારશે: ઇમિગ્રેશન અને ટેમ્પરરી વર્ક-વીઝાના મુદ્દે ભારત તરફીવલણ લે એવી વકી
ચૂંટણીમાં વિજય મેળવીને સમર્થકોને સંબોધન કર્યા બાદ ગઈ કાલે પત્ની વિક્ટોરિયાને કિસ કરતા કીર સ્ટાર્મર.
યુનાઇટેડ કિંગડમ (UK)માં ૪ જુલાઈએ થયેલી સામાન્ય ચૂંટણીનાં પરિણામ આવી ગયાં છે અને ભારતીય મૂળના હાલના વડા પ્રધાન રિશી સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીનો કારમો પરાજય થયો છે, જ્યારે કીર સ્ટાર્મરની લેબર પાર્ટીએ ૪૦૦થી વધારે બેઠકો મેળવીને ૧૪ વર્ષના વનવાસ બાદ સત્તામાં વાપસી કરી છે. ૬૫૦ બેઠકો ધરાવતી હાઉસ ઑફ કૉમન્સ (સંસદ)માં લેબર પાર્ટીને છપ્પરફાડ એકતરફી જીતમાં ૪૦૫, જ્યારે સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર ૧૧૨ બેઠકો મળી છે.
કીર સ્ટાર્મર UKના નવા વડા પ્રધાન બન્યા છે. તેમની પાર્ટીના મૅનિફેસ્ટોમાં ભારત સાથે નવી સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપની વાત કરવામાં આવી હતી. વડા પ્રધાનપદ સંભાળ્યાના પહેલા જ મહિનામાં કીર સ્ટાર્મર અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન અને યુરોપિયન યુનિયનના વિવિધ નેતાઓને મળશે.
ADVERTISEMENT
લેબર પાર્ટીએ એના મૅનિફેસ્ટોમાં વિદેશનીતિના ભાગરૂપે ભારત સાથે સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેની વાત કરી હતી. લેબર પાર્ટીએ ભૂતકાળમાં કાશ્મીર જેવા મુદ્દે જે ઐતિહાસિક ભૂલો કરી હતી એને બદલે હવે ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારીનું વલણ બનાવવાનું વચન આપ્યું છે. ભારત જેવી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા સાથેના સંબધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે લેબર પાર્ટી તૈયાર છે. ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (FTA) પ્રત્યે એની પ્રતિબદ્ધતા અને ટેક્નૉલૉજી, સિક્યૉરિટી, શિક્ષણ અને ક્લાઇમેટ-ચેન્જ જેવા વિવિધ મુદ્દે દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપવા માટ લેબર પાર્ટી પ્રતિબદ્ધ છે.
UKમાં રહેતા ભારતીય સમુદાય સાથેના તનાવપૂર્ણ સંબંધોને સુધારવા માટે કીર સ્ટાર્મરે અભિયાન હાથ ધર્યું હતું અને હિન્દુ-ફોબિયાની નિંદા કરીને દિવાળી અને હોળી જેવા ભારતીય સાંસ્કૃતિક તહેવારોની ઉજવણી કરીને ત્યાં રહેતા ભારતીય સમાજ સાથે સંબંધો સુધારવાના પ્રયાસો કર્યા હતા. આવી રીતે તેમણે બ્રિટિશ-ભારતીય સમુદાય સાથે સુમેળ સંબંધો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. લેબર પાર્ટીની જીતમાં આ સમુદાયની હિસ્સેદારી ઘણી છે.
જોકે કીર સ્ટાર્મરને તેમની મહત્ત્વાકાંક્ષી વિદેશનીતિનાં ધ્યેયોને સિદ્ધ કરવા માટે મોટા પડકારો છે, જેમાં ખાસ કરીને ઇમિગ્રેશન નીતિ અને વેપારને લગતા કરારો મુખ્ય છે. ઇમિગ્રેશન ઘટાડવાની જરૂરિયાત પર દ્વીપક્ષીય સર્વસંમતિ અને UKમાં સર્વિસ-ઉદ્યોગમાં ભારતીય કામદારોને ટેમ્પરરી વીઝા આપવા જેવી બાબતો સંભાળવી સ્ટાર્મર માટે સહજ નહીં હોય.
નરેન્દ્ર મોદીએ કીર સ્ટાર્મરને આપ્યાં અભિનંદન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કીર સ્ટાર્મરને અભિનંદન આપતાં સોશ્યલ મીડિયા પોર્ટલ ઍક્સ પર લખ્યું હતું કે ‘બ્રિટનમાં સામાન્ય ચૂંટણીમાં ઉલ્લેખનીય વિજય માટે કીર સ્ટાર્મરને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. હું તમામ ક્ષેત્રોમાં ભારત-બ્રિટન વચ્ચે વ્યાપક રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા, આપસી વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સકારાત્મક અને રચનાત્મક સહયોગની આશા રાખું છું.
રિશી સુનકે હાર માની, કહ્યું આઇ એમ સૉરી
ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના પરાજયની જવાબદારી સ્વીકારતાં વડા પ્રધાન રિશી સુનકે ટેકેદારોને સંબોધતાં જણાવ્યું હતું કે ‘હું માફી માગું છું અને આ પરાજયની જવાબદારી સ્વીકારું છું. લેબર પાર્ટીએ આ ચૂંટણી જીતી લીધી છે. મેં સર કીર સ્ટાર્મરને ફોન કરીને તેમના વિજય માટે અભિનંદન આપ્યાં છે. આજે સત્તા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે ટ્રાન્સફર કરી દેવામાં આવશે. હું કન્ઝર્વેટિવ પાર્ટીના ઘણા સારા અને મહેનતુ ઉમેદવારોના પરાજયની જવાબદારી સ્વીકારું છું, જેઓ તેમની તમામ કોશિશ અને તેમના સ્થાનિક રેકૉર્ડ અને પોતાના સમુદાય પ્રત્યે સમર્પિત હોવા છતાં પરાજિત થયા છે. મને આ વાતનું દુ:ખ છે. મેં એક વડા પ્રધાન તરીકે પોતાના ૧૦૦ ટકા આપવાની કોશિશ કરી હતી. હું લંડન જઈશ અને વડા પ્રધાનપદ છોડતાં પહેલાં પરિણામો વિશે વધુ વિસ્તારથી બતાવીશ.’