ઍડલ્ટ ફિલ્મ ઍક્ટ્રેસને અફેર વિશે બોલતી બંધ રાખવા માટે પેમેન્ટ આપવાના મામલે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ વિરુદ્ધ ક્રિમિનલ કેસ ચાલશે
ડોનાલ્ડ ટ્રમ્પ
ન્યુ યૉર્ક: અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે તેમની વિરુદ્ધ ક્રિમિનલ કેસ ચાલશે. મૅનહટનની ગ્રૅન્ડ જ્યુરીએ તેમની વિરુદ્ધ આરોપ ઘડવાની તરફેણમાં વોટિંગ કર્યું હતું. આ સાથે જ તેઓ ક્રિમિનલ આરોપોનો સામનો કરનારા અમેરિકાના પહેલા ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બન્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધના આરોપોને જાહેર કરવામાં આવ્યા નથી. જોકે આ ગ્રૅન્ડ જ્યુરી ૨૦૧૬માં અમેરિકન પ્રેસિડન્ટની ચૂંટણી માટે ટ્રમ્પના કૅમ્પેન દરમ્યાન ઍડલ્ટ ફિલ્મ ઍક્ટ્રેસ સ્ટૉર્મી ડેનિયલ્સને રૂપિયા ચૂકવવાના મામલે પુરાવા પર સુનાવણી કરી રહી હતી. એવો આરોપ છે કે સ્ટૉર્મી ટ્રમ્પ સાથેના અફેરની વિગતો જાહેર ન કરે એટલા માટે તેને ચુપ રહેવા ટ્રમ્પ તરફથી રૂપિયા આપવામાં આવ્યા હતા. ટ્રમ્પ સ્થાનિક સમય અનુસાર મંગળવારે બપોરે સવાબે વાગ્યે કોર્ટમાં હાજર થાય એવી શક્યતા છે. ટ્રમ્પ ૨૦૨૪માં અમેરિકન પ્રેસિડન્ટની રેસમાં ઊતર્યા છે અને એના માટે કૅમ્પેન ચલાવી રહ્યા છે.
મૅનહટન ડિસ્ટ્રિક્ટ ઍટર્નીના પ્રવક્તાએ ગુરુવારે સાંજે જણાવ્યું હતું કે દોષારોપણ માટે ટ્રમ્પના સરેન્ડર માટે સંકલન સાધવા માટે ટ્રમ્પના ઍટર્નીનો કૉન્ટૅક્ટ કરવામાં આવ્યો છે.
કોઈ પણ ક્રિમિનલ આરોપીની જેમ ટ્રમ્પની પણ ફિંગરપ્રિન્ટ અને મગ શૉટ્સ લેવામાં આવશે. સવાલ એ છે કે ટ્રમ્પને હાથકડી પહેરાવવામાં આવશે કે નહીં? એના ચાન્સ સાવ ઓછા છે, કેમ કે તેમની સામે હિંસાના આરોપો નથી. વળી તેઓ ભાગી જાય એવી શક્યતા પણ નથી. ઉપરાંત ડિસ્ટ્રિક્ટ ઍટર્ની
ઍલ્વિન બ્રાગ ટ્રમ્પના દોષારોપણની ગંભીર અસરોનો પણ વિચાર કરી રહ્યા છે. એટલા માટે ટ્રમ્પને હાથકડી પહેરાવવા જેવી સનસનીખેજ ઍક્શન લેવામાં આવે એવી શક્યતા સાવ ઓછી છે.
૨૦૧૮માં ટ્રમ્પે સ્ટૉર્મી ડેનિયલ્સને તેમના સંબંધોના મામલે બોલતી બંધ રાખવા માટે પેમેન્ટ આપવામાં આવ્યું એના વિશે તેઓ જાણતા હોવાનો ઇનકાર કર્યો હતો. જોકે બાદમાં તેમણે આ મામલે તેમનો રાગ બદલ્યો હતો. બ્રાગ અને તેમની ઇન્વેસ્ટિગેટિવ ટીમે મહિનાઓ સુધી એ બાબતની તપાસ કરી હતી કે ટ્રમ્પે ડેનિયલ્સને પેમેન્ટ્સ આપવાના સંબંધમાં બિઝનેસ રેકૉર્ડ્સમાં છેતરપિંડી કરી છે અને એને લીધે પ્રેસિડન્ટ પદ માટેના તેમના કૅમ્પેન દરમ્યાન ફાઇનૅન્સને સંબંધિત કોઈ નિયમનો ભંગ થયો છે કે નહીં.
લોવર મૅનહટન કોર્ટહાઉસ ખાતે ક્લાર્કની ઑફિસ એક દિવસ માટે બંધ રહ્યા બાદ બંધબારણે આરોપ ઘડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધના ગ્રૅન્ડ જ્યુરીના નિર્ણય બાદ ગુરુવારે ફ્લૉરિડામાં ટ્રમ્પના માર-એ-લેગો એસ્ટેટ પાસે તેમના સપોર્ટર્સ રસ્તા પર ઊતરી આવ્યા હતા. એ સિવાય પણ અમેરિકામાં અનેક જગ્યાએ ટ્રમ્પના સપોર્ટર્સે રસ્તા પર ઊતરી આવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
પ્રેસિડન્ટ બનવાની રેસને અસર થશે?
ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ ક્રિમિનલ કેસ ચલાવવાનો નિર્ણય એ ચોક્કસ જ અમેરિકાના પૉલિટિક્સમાં ખૂબ જ મોટી ઘટના છે. જોકે અત્યારના તબક્કે એવી આગાહી કરવી અશક્ય છે કે આ પૉલિટિકલ ભૂકંપથી વધુ એક વખત પ્રેસિડન્ટ બનવાના ટ્રમ્પના સપનાનો ભાંગીને ભુક્કો થઈ જશે કે પછી તેમને એને લીધે પૉલિટિકલ લાભ થશે.
ટ્રમ્પ વિરુદ્ધ આ આરોપો પણ છે
૧) નવેમ્બર ૨૦૨૦માં પ્રેસિડન્ટની ચૂંટણી બાદ ટ્રમ્પે છઠ્ઠી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ તેમના સપોર્ટર્સને અમેરિકન કૅપિટોલમાં જઈને લડત લડવા માટે હાકલ કરી હતી. ટ્રમ્પના ૨૦૦૦ સપોર્ટર્સ કૅપિટોલમાં ધસી ગયા હતા અને ત્યાં અમેરિકન કૉન્ગ્રેસની ઑફિસોમાં તોડફોડ મચાવી હતી અને પોલીસની સાથે ઘર્ષણમાં ઊતર્યા હતા.
૨) ટ્રમ્પની સામે બીજો ગંભીર આરોપ એ છે કે ટ્રમ્પે જ્યારે ઑફિસ છોડી હતી ત્યારે તેઓ પોતાની સાથે સેંકડો સીક્રેટ ડૉક્યુમેન્ટ્સને ફ્લૉરિડામાં તેમના માર-એ-લાગો એસ્ટેટમાં લઈ ગયા હતા. કાયદા અનુસાર તેમણે એ ડૉક્યુમેન્ટ્સ નૅશનલ આર્કાઇવ્સને સોંપવાના હતા.
ઘટસ્ફોટથી આરોપ ઘડવા સુધીની મહત્ત્વની તારીખો
જાન્યુઆરી ૨૦૧૮
‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’માં રિપોર્ટ આવ્યો હતો કે ટ્રમ્પે ઑક્ટોબર ૨૦૧૬માં પૉર્ન સ્ટાર સ્ટૉર્મી ડૅનિયલ્સને ૧,૩૦,૦૦૦ ડૉલર (૧.૬ કરોડ રૂપિયા)ના પેમેન્ટની વ્યવસ્થા કરી હતી. સ્ટૉર્મીએ જણાવ્યું હતું કે ૨૦૦૬માં ટ્રમ્પની સાથે તેના શારીરિક સંબંધો રહ્યા હતા. આ વાતને જાહેર ન કરવા માટે જ ટ્રમ્પે સ્ટૉર્મીને રૂપિયા ચૂકવ્યા હોવાનો આરોપ છે. સ્ટૉર્મી સાથે પોતાનું અફેર હોવાની વાત ટ્રમ્પ સતત ફગાવી રહ્યા છે. સ્ટૉર્મીનું સાચું નામ સ્ટેફની ક્લિફૉર્ડ છે. ટ્રમ્પ જુલાઈ ૨૦૦૬માં એક ગોલ્ફ ટુર્નામેન્ટમાં સ્ટૉર્મીને મળ્યા હતા. એ સમયે સ્ટૉર્મી ૨૭ વર્ષની, જ્યારે ટ્રમ્પ ૬૦ વર્ષના હતા. સ્ટૉર્મીએ ૨૦૧૮માં પબ્લિશ થયેલી તેની બુક ‘ફુલ ડિસ્ક્લોઝર’માં ટ્રમ્પ સાથેના તેના અફેરની વાત કહી છે.
ફેબ્રુઆરી ૨૦૧૮
ટ્રમ્પના ભૂતપૂર્વ પ્રાઇવેટ લૉયર માઇકલ કોહેને કહ્યું હતું કે તેણે ડેનિયલ્સને તેમના પોતાના રૂપિયા ચૂકવ્યા હતા અને આ પેમેન્ટ કરવા માટે તેમને ટ્રમ્પની કંપની કે તેમના માટે પૉલિટિકલ કૅમ્પેન ચલાવનારાઓ તરફથી કોઈ આદેશ આપવામાં નહોતો આવ્યો. એટલું જ નહીં, ટ્રમ્પે તેમને ક્યારેય આ પેમેન્ટ માટે વળતર આપ્યું નથી. જોકે કોહેને બાદમાં આ બન્ને સ્ટેટમેન્ટ્સને ફેરવી તોળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પે વાસ્તવમાં પેમેન્ટ કરવાનો અને તેમની પાસેથી વળતર મેળવી લેવાની સૂચના આપી હતી.
ફેબ્રુઆરી ૨૦૧૮
ન્યુ યૉર્કના એક મૅગેઝિનના રિપોર્ટમાં જણાવાયું હતું કે ટ્રમ્પનું ૨૦૦૬થી ૨૦૦૭ દરમ્યાન પ્લેબૉય મૉડલ કરેન મૅકડુગલની સાથે અફેર હતું. ટ્રમ્પ ૨૦૧૬માં પ્રેસિડન્ટના પદ માટે રિપબ્લિકન ઉમેદવાર બન્યા બાદ તરત જ નૅશનલ ઇક્વાયરર ટૅબ્લૉઇડના પબ્લિશર અમેરિકન મીડિયા ઇન્કે મૅકડુગલને તેની સ્ટોરીના એક્સક્લુઝિવ રાઇટ્સ માટે ૧,૫૦,૦૦૦ (૧.૨૩ કરોડ રૂપિયા) આપ્યા હતા. જોકે નૅશનલ ઇન્ક્વાયરરે ક્યારેય આ સ્ટોરી પબ્લિશ નહોતી કરી.
મે ૨૦૧૮
ડેનિયલ્સને ૧,૩૦,૦૦૦ ડૉલર ચૂકવવા બદલ કોહેનને એનું વળતર આપ્યું હોવાનું ટ્રમ્પે સ્વીકાર્યું હતું.
ઑગસ્ટ ૨૦૧૮
મૅનહટન ફેડરલ કોર્ટમાં ડેનિયલ્સને ચુપ રહેવા માટે પેમેન્ટ કરીને કૅમ્પેન માટેના ફાઇનૅન્સના નિયમોનો ભંગ કરવા બદલ કોહેનને અપરાધિક આરોપોસર દોષી ગણાવવામાં આવ્યા હતા. કોહેને કહ્યું હતું કે ટ્રમ્પે જ આ પેમેન્ટ કરવા માટે તેમને સૂચના આપી હતી. કોહેન સામેના આરોપો ઘડતી વખતે ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટના પદ માટેના એક ઉમેદવારે આ પેમેન્ટ્સ માટે વ્યવસ્થા કરી હતી. એ ક્રાઇમ બદલ ટ્રમ્પની સામે આરોપ નહોતો ઘડવામાં આવ્યો. એ સમયે મૅનહટનમાં ટૉપના ફેડરલ પ્રોસિક્યુટર જીઓફ્રી બેર્મને બાદમાં કન્ફર્મ કર્યું હતું કે અહીં જે પ્રેસિડન્ટ પદ માટેના ઉમેદવારની વાત કરાઈ છે એ ટ્રમ્પ જ હતા.
ડિસેમ્બર ૨૦૧૮
ટ્રમ્પે ટ્વીટ કરીને સ્ટૉર્મીને ચુપ રહેવા માટે જે રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા એને ‘સિમ્પલ પ્રાઇવેટ ટ્રાન્ઝેક્શન’ ગણાવ્યું હતું.
ઑગસ્ટ ૨૦૧૯
એ સમયના મૅનહટન ડિસ્ટ્રિક્ટ ઍટર્ની સાયરસ વેન્સેએ સ્ટૉર્મીને ચુપ રહેવા માટે જે પેમેન્ટ્સ કરવામાં આવ્યું છે એના રેકૉર્ડ્સ માટે ટ્રમ્પના ઑર્ગેનાઇઝેશન-ટ્રમ્પની ફૅમિલીની રિયલ એસ્ટેટ કંપનીને સમન ઇશ્યુ કર્યું હતું.
જુલાઈ ૨૦૨૧
વેન્સની ઑફિસે ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન અને એના ટોચના ફાઇનૅન્શિયલ એક્ઝિક્યુટિવની વિરુદ્ધ ટૅક્સ-ફ્રૉડનો આરોપ ઘડ્યો હતો. જોકે એમાં સ્ટૉર્મીને ચુપ રહેવા માટે આપવામાં આવેલા પેમેન્ટનો કોઈ ઉલ્લેખ નહોતો.
ડિસેમ્બર ૨૦૨૨
મૅનહટનમાં ન્યુ યૉર્ક સ્ટેટ કોર્ટમાં ટ્રાયલ બાદ ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન ટૅક્સ-ફ્રૉડના આરોપમાં દોષી જણાયું હતું.
જાન્યુઆરી ૨૦૨૩
સ્ટૉર્મીને આપવામાં આવેલા પેમેન્ટ્સના મામલે ટ્રમ્પની ભૂમિકા વિશેના પુરાવા ગ્રૅન્ડ જ્યુરી સમક્ષ રજૂ કરવાની શરૂઆત થઈ હતી.
૧૮મી માર્ચ, ૨૦૨૩
ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર જણાવ્યું હતું કે મંગળવારે તેમની ધરપકડ કરવામાં આવશે એમ તેમને જણાઈ રહ્યું છે અને તેમણે તેમના સપોર્ટર્સને વિરોધ-પ્રદર્શન કરવા જણાવ્યું હતું.
૩૦મી માર્ચ, ૨૦૨૩
ટ્રમ્પની સામે આરોપો ઘડવા માટે અદાલત તરફથી ગ્રીન સિગ્નલ.આપવામાં આવ્યું હતું.