હવે કંપનીએ અઠવાડિયામાં પાંચ દિવસ ઑફિસમાં આવીને કામ કરવાનો આદેશ કર્યો છે
લાઇફ મસાલા
ઍમૅઝૉન કંપની
કોરોનાકાળથી અમેરિકાની ઍમૅઝૉન કંપનીમાં વર્ક ફ્રૉમ હોમનું કલ્ચર શરૂ કરવામાં આવ્યું હતું, જે અત્યારે પણ ચાલુ છે. હવે કંપનીએ અઠવાડિયામાં પાંચ દિવસ ઑફિસમાં આવીને કામ કરવાનો આદેશ કર્યો છે. ઍમૅઝૉનના CEO એન્ડી જેસીએ બીજી જાન્યુઆરી, ૨૦૨૫થી આ નિયમ લાગુ કરવા આદેશ કર્યો છે. એની સામે કર્મચારીઓ બહુ નારાજ થઈ ગયા છે. જૉબ રિવ્યુ સાઇટ ‘બ્લાઇન્ડ’એ આ માટે ઍમૅઝૉનના ૨૫૮૫ કર્મચારીનો સર્વે કર્યો હતો. એનો રિપોર્ટ આવી ગયો છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે આ નિર્ણયનો અમલ થશે તો ૭૩ ટકા કર્મચારીઓ નોકરી છોડી દેશે.
નવી ઑફિસમાં પાછા આવવાનો આદેશ સાંભળીને ૯૧ ટકા કર્મચારીઓ ખૂબ જ અસંતુષ્ટ છે. તેમાંના ૮૦ ટકાએ તો એવો દાવો કર્યો છે કે ઘણાબધા કર્મચારી બીજી નોકરી શોધવા લાગ્યા છે. જેમને વર્ક ફ્રૉમ હોમની પરવાનગી અપાઈ હતી એ કર્મચારીઓનાં તો મનોબળ તૂટી ગયાં છે. કેટલાકે તો કહ્યું કે પોતે ઑફિસ જઈને કામ નહીં કરે તો ૬ મહિનામાં કાઢી મૂકશે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અઠવાડિયામાં ૩ દિવસ ઑફિસ આવવાનો આદેશ કર્યો હતો અને ત્યારે પણ કર્મચારીઓએ વાંધો ઉઠાવ્યો હતો.