બંગલાદેશમાં ઇસ્કૉનના સાધુની ધરપકડનો વિરોધ
બંગલાદેશમાં ઇસ્કૉનના સાધુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડનો વિરોધ કરવા ગઈ કાલે કલકત્તામાં ઇસ્કૉનના સાધુઓ દ્વારા કીર્તન યોજાયું હતું.
બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોથી ભારતના હિન્દુઓમાં ભારે રોષ વ્યાપ્યો છે અને તેથી આશરે ૬૮ જેટલા રિટાયર્ડ જજો, અમલદારો અને એક વર્તમાન સંસદસભ્યએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને બંગલાદેશમાં હિન્દુઓની સુરક્ષા કરવા અને ઇસ્કૉનના પકડવામાં આવેલા સાધુને છોડાવવાની માગણી કરી છે.
આ સંદર્ભમાં મળતી જાણકારી જણાવે છે કે ૨૭ નવેમ્બરે લખવામાં આવેલા પત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ માગણી કરવામાં આવી છે કે તેઓ બંગલાદેશના ચિત્તાગૉન્ગમાં દેશદ્રોહના આરોપમાં પકડવામાં આવેલા ઇસ્કૉનના સાધુ ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી અને અન્ય ધાર્મિક નેતાઓને તાત્કાલિક છોડી મુકાવવા માટે બંગલાદેશ સરકારને આગ્રહ કરે અને બંગલાદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ઉઠાવે.
ADVERTISEMENT
પત્રમાં લખવામાં આવ્યું છે કે ‘ચિન્મય કૃષ્ણ દાસ તથા અન્ય ધાર્મિક નેતાઓને તાત્કાલિક છોડી મૂકવા આવશ્યક છે, કારણ કે તેમને અન્યાયપૂર્ણ રીતે પકડવામાં આવ્યા છે. તેમની સામે મૂકવામાં આવેલા આરોપોને પણ પડતા મૂકવામાં આવે. તેમને શાંતિપૂર્વક વિરોધ કરવા તથા તેમની ચિંતા પ્રત્યે સરકારનું ધ્યાન દોરવા માટે તેમના અધિકારોનું રક્ષણ કરવામાં આવે.’
ઇસ્કૉન પર પ્રતિબંધ મૂકવાનો બંગલાદેશની હાઈ કોર્ટનો ઇનકાર
બંગલાદેશની હાઈ કોર્ટે ગઈ કાલે દેશમાં ઇસ્કૉનની પ્રવૃત્તિઓ પર સુઓ મોટો પ્રતિબંધ મૂકવાનો આદેશ પસાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે દેશની સરકારે આ સંદર્ભમાં જરૂરી પગલાં લીધાં છે. સુપ્રીમ કોર્ટના વકીલ મોહમ્મદ મોનીર ઉદ્દીને બુધવારે ઇસ્કૉનના સંદર્ભમાં કેટલાંક ન્યુઝપેપરોના રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને માગણી કરી હતી કે ઇસ્કૉનની પ્રવૃત્તિઓ પર સુઓ મોટો પ્રતિબંધ મૂકી દેવામાં આવે. જોકે કોર્ટે ઍટર્ની જનરલને ઇસ્કૉનની તાજેતરની પ્રવૃત્તિઓ વિશે સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંની જાણકારી આપવા જણાવ્યું છે.