કૅનેડા ૧૭૨, અમેરિકા ૧૦૮ અને UK ૫૮ વિદ્યાર્થીઓ સાથે ટોચ પર: કૅનેડામાં ૯ અને અમેરિકામાં ૬ સ્ટુડન્ટ્સે હિંસા કે હુમલામાં જીવ ગુમાવ્યો
પ્રતીકાત્મક તસવીર
વિદેશની ૪૧ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૬૩૩ ભારતીય સ્ટુડન્ટ્સ છેલ્લાં પાંચ વર્ષમાં વિવિધ કારણોસર મૃત્યુ પામ્યા હોવાની શૉકિંગ જાણકારી શુક્રવારે લોકસભામાં વિદેશ ખાતાના રાજ્યપ્રધાન કીર્તિ વર્ધન સિંહ દ્વારા આપવામાં આવી હતી. કેરલાના સંસદસભ્ય કે. સુરેશના સવાલના જવાબમાં કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે કુદરતી રીતે, અકસ્માતથી કે તબીબી કારણોસર પણ સ્ટુડન્ટ્સનાં મૃત્યુ થયાં હતાં. ૧૭૨ સ્ટુડન્ટ્સનાં મૃત્યુ સાથે કૅનેડા પહેલા નંબરે છે. ત્યાર બાદ અમેરિકામાં ૧૦૮, યુનાઇટેડ કિંગડમ (UK)માં ૫૮, ઑસ્ટ્રેલિયામાં ૫૭, રશિયામાં ૩૭ અને જર્મનીમાં ૨૪ સ્ટુડન્ટ્સનો સમાવેશ છે. યુક્રેનમાં ૧૮, જ્યૉર્જિયા, કિર્ગીઝસ્તાન અને સાયપ્રસમાં ૧૨-૧૨ અને ચીનમાં ૮ સ્ટુડન્ટ્સે જીવ ગુમાવ્યો હતો.
હિંસા કે હુમલામાં ૧૯નાં મૃત્યુ
ADVERTISEMENT
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ૧૯ સ્ટુડન્ટ્સે હિંસા અથવા તેમના પર થયેલા હુમલામાં જીવ ગુમાવ્યો હતો. કૅનેડામાં સૌથી વધારે ૯ સ્ટુડન્ટ્સે હિંસક હુમલામાં જીવ ગુમાવ્યો હતો. અમેરિકામાં ૬ સ્ટુડન્ટ્સે આવા હુમલામાં જીવ ગુમાવ્યો હતો. ઑસ્ટ્રેલિયા, UK, ચીન અને કિર્ગીઝસ્તાનમાં એક-એક સ્ટુડન્ટે જીવ ગુમાવ્યો હતો.
સ્ટુડન્ટ્સના સંપર્કમાં ભારત સરકાર
વિદેશમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સની સલામતી અને સુરક્ષા ભારત સરકારની ટોચની પ્રાયોરિટી છે. વિદેશમાં કાર્યરત ભારતીય મિશન કે દૂતાવાસ વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સના સંપર્કમાં રહે છે. વિદેશમાં ભારતીય મિશન કે પોસ્ટ હાયર સ્ટડીઝ કરી રહેલા ભારતીય સ્ટુડન્ટ્સને તેમની સાથે અને વિદેશ ખાતાના પોર્ટલ MADAD પર રજિસ્ટર કરાવવા પ્રોત્સાહિત કરે છે જેથી તેમની ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ કરી શકાય. આવાં મિશન ભારતીય સ્ટુડન્ટ્સને નિયમિત સંપર્ક જાળવવા અને તેમની ચિંતાઓને પ્રાથમિકતા આપવા અને ઉકેલવા માટેના તમામ પ્રયાસો કરવાની સલાહ આપે છે.