નૅશનલ હેલ્થ કમિશને સત્તાવાર રીતે જણાવ્યું હતું કે કોરોનાને કારણે આઠમી ડિસેમ્બરથી ૧૨મી જાન્યુઆરી દરમ્યાન ૫૯,૯૩૮ જણનાં મોત નીપજ્યાં હતાં
પ્રતીકાત્મક તસવીર
બીજિંગ (પી.ટી.આઇ.): ચીન કોરોનાની મહામારીના કેસ અને મરનારાઓની સંખ્યા વાસ્તવિક કરતાં ખૂબ ઓછી બતાવતું હોવાનું સતત વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા કહેવામાં આવ્યું છે. જે મામલે ખૂબ ટીકા વચ્ચે ચીને ગઈ કાલે જણાવ્યું હતું કે છેલ્લા ૩૦ દિવસમાં સમગ્ર ચીનની હૉસ્પિટલોમાં કોરોનાને કારણે ૫૯,૯૩૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં. નૅશનલ હેલ્થ કમિશને સત્તાવાર રીતે જણાવ્યું હતું કે કોરોનાને કારણે આઠમી ડિસેમ્બરથી ૧૨મી જાન્યુઆરી દરમ્યાન ૫૯,૯૩૮ જણનાં મોત નીપજ્યાં હતાં.
નૅશનલ હેલ્થ કમિશનના મેડિકલ અફેર્સ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જિઆઓ યહુઈએ કહ્યું હતું કે ‘હૉસ્પિટલોના રેકૉર્ડ્સ અનુસાર ૫૫૦૩ જણનાં કોરોનાને કારણે શ્વાસોશ્વાસની સમસ્યાઓ થતાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૫૪,૪૩૫ જણનાં કોરોનાની સાથે કૅન્સર કે કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ જેવી કન્ડિશન્સને કારણે મોત થયાં હતાં.’