ઇન્ડિગો ઍરલાઇન્સ સામે આક્રોશ ફાટી નીકળ્યો, ખાવા-પીવાની અને રહેવાની કોઈ સુવિધા ન કરવાનો આક્ષેપ
ઇન્ડિગોની ફ્લાઇટ વિલંબ થવાથી અને પૂરતી સુવિધાઓ ન મળવાથી ટર્કીના ઇસ્તાંબુલ ઍરપોર્ટ પર પૅસેજમાં આરામ કરી રહેલા દિલ્હી અને મુંબઈના મુસાફરો.
ટર્કી અને અન્ય શહેરોમાંથી મુંબઈ અને દિલ્હી આવી રહેલા ઇન્ડિગો ઍરલાઇન્સના લગભગ ૪૦૦ મુસાફરો ગુરુવારે તેમની ફ્લાઇટ લેટ થવાથી ટર્કીના ઇસ્તનબુલ ઍરપોર્ટ પર ખાધા-પીધા અને કોઈ પણ જાતની રહેવાની સુવિધા વગર ૨૪ કલાકથી વધુ સમય સુધી અટવાયા હતા. આ મુસાફરોને ઍરલાઇન્સ તરફથી કોઈ પણ પ્રકારની સુવિધા અને સમર્થન ન મળવાથી તેઓ હતાશ થઈ ગયા હતા અને તેમનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.
આ બાબતની માહિતી આપતાં કાંદિવલી-ઈસ્ટના અશોકનગરના રહેવાસી પચીસ વર્ષના આદિત્ય શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ઇસ્તાંબુલથી મુંબઈ આવવાની ફ્લાઇટ ત્યાંના સમય પ્રમાણે રાતના ૮.૧૦ વાગ્યાની હતી જે પહેલાં બે કલાક મોડી અને પછી સીધી બીજા દિવસે બપોરના દોઢ વાગ્યે શેડ્યુલ કરવામાં આવી હતી. ઇન્ડિગો આ વિલંબ પાછળ કોઈ સ્પષ્ટ કારણ આપી શકી નથી. ફક્ત ઑપરેશનલ કારણો કહીને તેઓ ચૂપ બેસી ગયા હતા. જોકે આ સમય દરમ્યાન તેમણે તેમના મુસાફરોને પ્રૉપર કમ્યુનિકેશન કરવાની કે તેમના મુસાફરોને રહેવા કે ખાવા-પીવાની સુવિધા/વ્યવસ્થા આપવાની કૅર સુધ્ધાં કરી નહોતી. આ ઍરલાઇન્સના કોઈ પ્રતિનિધિ ઍરપોર્ટ પર અમારી ફરિયાદ સાંભળવા કે અમારું ધ્યાન રાખવા હાજર ન હોવાથી અમે મુસાફરોએ અમારો આક્રોશ સોશ્યલ મીડિયા પર વ્યક્ત કર્યો હતો.’
ADVERTISEMENT
મુસાફરોની મુસીબતની શરૂઆત ઇસ્તાંબુલથી દિલ્હીની ફ્લાઇટ સાથે થઈ હતી. આ ફ્લાઇટનો મૂળ સમય ૧૨ ડિસેમ્બરે રાતના ૮.૧૦ વાગ્યાનો હતો જેને બીજા દિવસે બપોરે ૧.૩૦ વાગ્યે શેડ્યુલ કરવામાં આવી હતી. એ જ રીતે ઇસ્તાંબુલથી મુંબઈની ફ્લાઇટ ૧૨ ડિસેમ્બરે રાતના ૮.૧૫ વાગ્યે નિર્ધારિત હતી. એને પહેલાં રાતના ૧૧ વાગ્યે અને ત્યાર પછી બીજા દિવસે સવારે ૧૦ વાગ્યા સુધી વિલંબિત કરવામાં આવી હતી જે આખરે બપોરે ૧૨.૩૦ વાગ્યે ત્યાંથી રવાના થઈ હતી.
આ દરમ્યાન મુસાફરોએ ભોગવેલી કઠણાઈ અને હેરાનગતિના સંદર્ભમાં માહિતી આપતાં આદિત્યે કહ્યું હતું કે ‘જ્યારે ફ્લાઇટો બીજા દિવસ સુધી વિલંબિત કરવામાં આવી ત્યારે પહેલાં તો અમને ટર્કિશ ઍરપોર્ટ ઑથોરિટીએ ઍરપોર્ટ પરિસરમાં આવેલી હોટેલમાં સૂવાની વ્યવસ્થા કરી આપવાની જાણકારી આપી હતી જેના માટે મુસાફરોને એક ફાલતુ પ્રકારની કૂપન આપવામાં આવી હતી. આ હોટેલમાં સૌથી પહેલાં જે લોકો ફૅમિલી સાથે આવ્યા હતા તેમને રૂમો આપવામાં આવી હતી પણ હોટેલમાં પૂરતી સગવડ અને રૂમો ન હોવાથી માંડ ૭૦ પૅસેન્જરો આ હોટેલમાં સ્ટે કરી શક્યા હતા. ત્યાર પછીના મુસાફરોને આખી રાત ઍરપોર્ટના પૅસેજમાં અને ખુરશીઓ પર વિતાવવી પડી હતી. આ સમયમાં અમને ઍરલાઇન્સ કે ઍરપોર્ટ ઑથોરિટી તરફથી કોઈ જ ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. એ તો છોડો, અમારા હાલહવાલ પૂછવા માટે પણ કોઈ હાજર નહોતું. બીજા દિવસે સવારે અમને ઍરપોર્ટ ઑથોરિટી તરફથી એક સૅન્ડવિચ અને પાણીની બૉટલ એ પણ જાણે અમે લૂંટી લેવાના હોઈએ એમ અમારા બોર્ડિંગ પાસ પર માર્કિંગ કરીને આપવામાં આવી હતી.’
હું તો ડબલિનથી મારાં મમ્મી-પપ્પાને મળવા મુંબઈ આવ્યો છું એમ જણાવતાં ડબલિનની કંપનીમાં જૉબ કરતા આદિત્યે કહ્યું હતું કે ‘હું તો ઍરપોર્ટ પર મારા ઍર ટાઇમના ત્રણ કલાક પહેલાં પહોંચ્યો હતો પણ ત્યાં અનેક લોકો અમેરિકાથી સવારના આવી ગયા હતા. તેઓ ફ્લાઇટ મોડી થવાથી ૨૪ કલાકથી વધુ સમય હેરાન થયા હતા. મારી ફ્લાઇટ જો સમયસર હોત તો હું શુક્રવારે સવારે ૬.૩૦ વાગ્યે મુંબઈ ઍરપોર્ટ પર પહોંચી ગયો હોત. જોકે ફ્લાઇટ ૧૫ કલાક મોડી આવવાથી હું રાતના ૮.૩૦ વાગ્યે મુંબઈ પહોંચ્યો હતો. ફ્લાઇટ વિલંબ થવાથી અનેક લોકો જેઓએ મુંબઈમાં કે દિલ્હીમાં વીઝા માટે અપૉઇન્ટમેન્ટ લીધી હતી તેઓ માનસિક તાણમાં આવી ગયા હતા. આ સિવાય એવા પણ લોકો હતા જેણે મુંબઈમાં લગ્નપ્રસંગમાં હાજરી આપવાની હતી. આ સંજોગોમાં ઇન્ડિગોના કસ્ટમર કૅર સેન્ટરમાં ફોન લાગતા નહોતા. લાગ્યા પછી પોણો–એક કલાક ફોન પર લટકતા રહેવું પડ્યું હતું. માંડ ફોન લાગે તો મૅનેજર સાથે વાત કરવા માટે વેઇટ કરવું પડ્યું હતું. આ બધું કર્યા પછી પણ અમને તેમના તરફથી સંતોષજનક જવાબ મળ્યો નહોતો.’
આ બાબતની સ્પષ્ટતા કરવા માટે‘મિડ-ડે’એ ઇન્ડિગોના કસ્ટમર કૅર સેન્ટરમાં સતત ફોન લગાડવાના પ્રયાસ કર્યા હતા પણ સંપર્ક થઈ શક્યો નહોતો.