આરોપીએ અન્ય એક પુરુષને ગોળી મારી હતી, પરંતુ એ મિસ થઈને પાંચ વર્ષની માયા પટેલના માથામાં વાગી હતી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
અમેરિકાના લુઇસિયાના સ્ટેટમાં ૨૦૨૧માં પાંચ વર્ષની મૂળ ગુજરાતી બાળકીની હત્યાના કેસમાં ૩૫ વર્ષના એક પુરુષને ૧૦૦ વર્ષ સખત કેદની સજા કરવામાં આવી છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર માયા પટેલની હત્યાના કેસમાં શ્રેવેપોર્ટના જોસેફ લી સ્મિથને જાન્યુઆરીમાં દોષિત ગણાવવામાં આવ્યા બાદ તેને હવે સજા કરવામાં આવી છે.
ADVERTISEMENT
માયા પટેલ મૉન્કહાઉસ ડ્રાઇવના એક હોટેલના રૂમમાં રમી રહી હતી ત્યારે એક બુલેટ તેના રૂમમાં એન્ટર થઈને તેના માથામાં વાગી હતી. તેને તરત નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તે ત્રણ દિવસ સુધી મોત સામે ઝઝૂમી હતી અને ૨૩મી માર્ચ, ૨૦૨૧ના રોજ તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: રવિ ચૌધરીને અમેરિકન ઍર ફોર્સના અસિસ્ટન્ટ સેક્રેટરી બનાવાયા
સ્મિથની સુનાવણી દરમ્યાન જ્યુરીને જણાવવામાં આવ્યું હતું કે આ હોટેલના પાર્કિંગ લૉટમાં સ્મિથની બીજા એક માણસની સાથે બોલાચાલી થઈ હતી.
એ હોટેલ એ સમયે વિમલ અને સ્નેહલ પટેલની માલિકીની હતી અને તેઓ જ એને ચલાવતા હતા. તેઓ માયા અને તેમનાં બીજાં સંતાનની સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતાં હતાં.
બોલાચાલી વખતે સ્મિથે ૯-એમએમની હૅન્ડગનથી સામેવાળી વ્યક્તિને ગોળી મારી હતી. આ બુલેટ સામેવાળી વ્યક્તિને ન વાગીને હોટેલના રૂમમાં ગઈ અને માયાના માથામાં વાગી હતી.