હાફિઝ સઈદ સાથે મળીને તેણે મુંબઈ પર અટૅક કર્યો હતો : ભારતના દુશ્મનને ગઈ કાલે સવારે સારવાર દરમ્યાન હાર્ટ-અટૅક આવ્યો હતો
અબ્દુલ રહેમાન મક્કી
મુંબઈ પર થયેલા ૨૬/૧૧ના હુમલાના માસ્ટરમાઇન્ડમાંના એક અબ્દુલ રહેમાન મક્કીનું ગઈ કાલે પાકિસ્તાનમાં હાર્ટ-અટૅકને લીધે મોત થયું હતું. તે મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો બનેવી અને જમાત-ઉદ-દાવાનો ડેપ્યુટી ચીફ છે.
અબ્દુલ રહેમાન મક્કીના મોતના સમાચારની પુષ્ટિ કરતાં જમાત-ઉદ-દાવાએ કહ્યું હતું કે ‘તે છેલ્લા થોડા દિવસથી બીમાર હતો. શુગર-લેવલ વધી જવાને લીધે લાહોરની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન ગઈ કાલે સવારે હૉસ્પિટલમાં જ તેને હાર્ટ-અટૅક આવવાથી ઇન્તકાલ થયો હતો.’
ADVERTISEMENT
ભારત ઘણા સમયથી પાકિસ્તાન પાસે તેની માગણી કરી રહ્યું હતું. આમ છતાં પાકિસ્તાન અબ્દુલ રહેમાન મક્કી અને તેના આકા તેમ જ સાથીઓને શરણ આપી રહ્યું છે. આ લોકો પાકિસ્તાનમાં ખુલ્લેઆમ આતંકી ગતિવિધિઓ માટે ફન્ડિંગ કરી રહ્યા છે. ભારત સહિત આખી દુનિયામાંથી દબાણ વધવાને લીધે ૨૦૨૦માં છ મહિના માટે ટેરર ફન્ડિંગના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી. જમાત-ઉદ-દાવાનું બધું કામ તે જોતો હતો, પણ પોતાને લો-પ્રોફાઇલ રાખતો હતો. ૨૦૨૩માં યુનાઇટેડ નેશને પણ અબ્દુલ રહેમાન મક્કીને ઇન્ટરનૅશનલ ટેરરિસ્ટ જાહેર કરીને તેના ટ્રાવેલ પર પ્રતિબંધ મૂકવાનો અને તેની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં તે પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરતો હતો.
ક્યાં-ક્યાં મચાવી હતી તબાહી?
૨૬/૧૧ના આતંકવાદી હુમલા ઉપરાંત તેના પર ૨૦૦૦માં લાલ કિલ્લા પર હુમલાનું ષડ્યંત્ર રચવાનો આરોપ હતો. ૨૦૧૮માં શ્રીનગર અને બારામુલ્લામાં થયેલા હુમલા તેણે કરાવ્યા હતા જેમાં એક પત્રકાર સહિત ત્રણ જણનાં મૃત્યુ થયાં હતાં. ૨૦૦૮માં રામપુરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કૅમ્પ પર થયેલા આતંકવાદી હુમલાનો પણ તે માસ્ટરમાઇન્ડ હતો.
એ સમયે તે લશ્કર-એ-તય્યબા સાથે જોડાયેલો હતો. હાફિઝ સઈદ જ લશ્કર-એ-તય્યબાનો સંસ્થાપક છે.