આતંકવાદીઓએ બલૂચિસ્તાનમાં ચૂંટણી કાર્યાલયોને નિશાન બનાવ્યાં
બલોચિસ્તાન
રાચી (પી.ટી.આઇ.): પાકિસ્તાનમાં આઠમી ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે ભયાનક બૉમ્બવિસ્ફોટમાં ૨૫ લોકો માર્યા ગયા હતા અને ૪૨ લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ ચૂંટણી કાર્યાલયોને નિશાન બનાવ્યાં હતાં. પહેલો વિસ્ફોટ પિશિન જિલ્લામાં અપક્ષ ઉમેદવાર અસફંદ્યાર ખાન કાકરના કાર્યાલયની બહાર થયો હતો જેણે ૧૭ લોકોનો ભોગ લીધો હતો અને ૩૦ વ્યક્તિને ઈજા પહોંચી હતી.
આ વિસ્ફોટના એક કલાકની અંદર જ કિલ્લા અબદુલ્લા વિસ્તારમાં જમિયત-ઉલેમા ઇસ્લામ-પાકિસ્તાનના કાર્યાલયની બહાર બીજો બૉમ્બવિસ્ફોટ થયો હતો જેમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૧૨ લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારી અબદુલ્લા ઝેહરીએ જણાવ્યું હતું કે ‘આતંકવાદીઓ લોકોને મતદાનમથક સુધી પહોંચતા અટકાવવા માટે ઉમેદવારોને નિશાન બનાવી રહ્યા છે. જોકે ચૂંટણી નિર્ધારિત રીતે યોજાય એ સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વધારવામાં આવી છે.’
ADVERTISEMENT
પાકિસ્તાનના ચૂંટણીપંચે બૉમ્બબ્લાસ્ટની પુષ્ટિ કરીને ગુનેગારો સામે કાર્યવાહીની ખાતરી આપી હતી. સામાન્ય ચૂંટણી આવતાં જ અફઘાનિસ્તાન અને ઈરાનની સરહદે આવેલા બલૂચિસ્તાનમાં હિંસા ફાટી નીકળી છે. ગયા રવિવારથી આતંકવાદીઓએ સુરક્ષા ચોકીઓ, ચૂંટણીપ્રચાર કાર્યાલયો અને રૅલીઓ પર ૫૦ જેટલા હુમલા કર્યા છે. સિબી શહેરમાં આતંકીઓએ એક ઇલેક્શન રૅલીને નિશાન બનાવી હતી જેમાં ચાર લોકોનાં મોત થયાં હતાં. અલગતાવાદી જૂથોનું માનવું છે કે તેઓ સ્થાનિક લોકોના અધિકારો પાછા મેળવવા અને સરકાર દ્વારા પ્રાંતનાં સમૃદ્ધ ખનિજોના કથિત કબજાનો અંત લાવવા માટે યુદ્ધ લડી રહ્યા છે.