૧૬ વર્ષનો કિશોર વિમાનના લૅન્ડિંગ ગિયરમાં ચોંટી લંડનથી હોલૅન્ડ પહોંચ્યો
પ્રતીકાત્મક તસવીર
વિમાનની નીચે લૅન્ડિંગ ગિયરમાં ચોંટીને એક કિશોરે ૫૧૦ કિલોમીટરની મુસાફરી કરી હતી અને એ પણ ૧૯,૦૦૦ ફુટની ઊંચાઈએ કાતિલ ઠંડીમાં જીવિત રહીને.
પ્રાપ્ત વિગત મુજબ ૧૬ વર્ષના કિશોરે ટર્કી ઍરલાઇન્સની કાર્ગો ફ્લાઇટના લૅન્ડિંગ ગિયરમાં ચોંટીને જીવના જોખમે મુસાફરી કરી હતી. લંડનથી ઊપડેલી આ ફ્લાઇટ હોલૅન્ડના માસ્ટ્રિચ્ટ પહોંચી ત્યારે ઍરપોર્ટ સ્ટાફને વિમાનના લૅન્ડિંગ ગિયરમાં ચોંટેલો કિશોર જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
એક દિવસ પહેલાં જ આ ફ્લાઇટ ટર્કીની રાજધાની ઇસ્તંબુલથી લંડન પહોંચી હતી. ત્યાંથી તે હોલૅન્ડ રવાના થઈ હતી. આશરે ૧૯૦૦ ફુટની ઊંચાઈએ ભારે ઠંડીને કારણે આ કિશોર હાઇપોથર્મિયાનો શિકાર બન્યો છે, જેને કારણે તેને હૉસ્પિટલમાંથી દાખલ કરવામાં આવ્યો છે.
ડચ ન્યુઝના રિપોર્ટ મુજબ આ કિશોરે વિમાનમાં ચોંટીને ૫૧૦ કિલોમીટરની યાત્રા કરી. ત્યાર બાદ હોલૅન્ડના માસ્ટ્રિચ્ટ ઍરપોર્ટ પર તેને ઉતારવામાં આવ્યો હતો. આ કિશોરની ઓળખ જાહેર કરાઈ નથી, પરંતુ ઍરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે છોકરો ભાગ્યશાળી છે કે આટલી ઊંચાઈએ ખુલ્લામાં યાત્રા કર્યા છતાં જીવિત રહ્યો. નહીંતર અગાઉ ઘણા લોકોએ વિમાનના લૅન્ડિંગ ગિયર સાથે ચોંટીને યાત્રા કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ મોટા ભાગના કિસ્સામાં કોઈ જીવિત રહ્યું નથી.
હાલમાં સ્થાનિક અધિકારીઓ આ મામલે માનવ-તસ્કરીની શક્યતા હોવાની પણ તપાસ કરી રહ્યા છે.

