અંતરિયાળ પર્વતીય વિસ્તારમાં મોટી સંખ્યામાં મકાનો જમીનદોસ્ત થયાં, અનેક લોકોને ઈજા થઈ
નેપાલના જાજરકોટ જિલ્લામાં ગઈ કાલે પિપલદંદા ગામમાં ભૂકંપ પછી નુકસાનગ્રસ્ત મકાનો.
કાઠમાંડુ (પી.ટી.આઇ.) ઃ ૬.૪ની તીવ્રતાવાળા શક્તિશાળી ભૂકંપે શુક્રવારે રાતે નેપાલને હચમચાવ્યું હતું, જેમાં ઓછામાં ઓછા ૧૫૭ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય અનેક લોકોને ઈજા થઈ હતી. નેપાલના અંતરિયાળ પર્વતીય વિસ્તારમાં મોટી સંખ્યામાં મકાનો જમીનદોસ્ત થયાં હતાં.
નૅશનલ અર્થક્વેક મૉનિટરિંગ ઍન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર રાત્રે ૧૧.૪૭ વાગ્યે આવેલા આ ભૂકંપનું એપિસેન્ટર જાજરકોટ જિલ્લામાં હતું.
કાઠમાંડુ અને એની આસપાસના જિલ્લાઓમાં આ ભૂકંપની અસર અનુભવાઈ હતી. એટલું જ નહીં, ઉત્તર ભારતમાં પણ આંચકા અનુભવાયા હતા. જાજરકોટમાં અનેક મકાનો જમીનદોસ્ત થયાં હતાં.
રેસ્ક્યુ ઑપરેશન ચાલી રહ્યું છે. જોકે, જાજરકોટ પર્વતીય જિલ્લો હોવાના કારણે અહીંના વિસ્તારોનો સંપર્ક કરવામાં અધિકારીઓને મુશ્કેલી પડી રહી છે.
પશ્ચિમ નેપાલમાં જાજરકોટ સિવાય રુકુમ જિલ્લામાં પણ ભૂકંપની સૌથી વધુ અસર થઈ છે. ભૂકંપ બાદ જાજરકોટમાં ચારથી વધુ તીવ્રતાવાળા ઓછામાં ઓછા ચાર આફ્ટરશૉક્સ આવ્યા હતા.
નેપાલમાં છેલ્લાં બે વર્ષમાં નાના-મોટા ૧૦૦ ભૂકંપ આવ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ભૂકંપના ૭૦ આંચકા અનુભવાયા છે. હિમાલયની તળેટી પર વસેલા નેપાલની નીચે બે ટેક્ટોનિક પ્લેટ્સ છે, જેમાંથી એકનું નામ ઇન્ડો-ઑસ્ટ્રેલિયન જ્યારે બીજીનું નામ યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ છે. આ બન્ને પ્લેટ્સની જ્યારે ટક્કર થાય છે ત્યારે નેપાલમાં ભૂકંપના આંચકા આવે છે. ૨૦૧૫માં ભૂકંપ આવ્યા બાદ નેપાલ સરકારે બિલ્ડિંગ કોડનું કડકાઈથી પાલન કરવાની વાત કહી હતી. એન્જિનિયરની પરમિશન વિના બિલ્ડિંગ બનાવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, એનું પાલન યોગ્ય રીતે ન થઈ શક્યું. બીજી તરફ ઇન્ટરનૅશનલ એન્વાયર્નમેન્ટ જર્નલ મોંગાબેમાં એક રિપોર્ટ અનુસાર ચીન દ્વારા કન્સ્ટ્રક્શન કામગીરીના કારણે હિમાલયની ઇકોસિસ્ટમને નુકસાન થઈ રહ્યું છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીનના બીઆરઆઇ (બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશ્યેટિવ) પ્રોજેક્ટ માટે હિમાલયની તળેટીને નષ્ટ કરવામાં આવી રહી છે.
રોડ પ્રોજેક્ટ્સ માટે પહાડોમાંથી પથ્થરો કાઢીને એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રીતે હિમાલયની ઇકોસિસ્ટમને નુકસાન પહોંચવાના કારણે પણ ભૂકંપની શક્યતા વધી જાય છે.