ટ્રસ્ટી મંડળની બેઠકમાં લેવાયો નિર્ણય ઃ મંદિર પરિસરને ‘બી’માંથી ‘એ’ કૅટેગરીમાં રૂપાંતરિત કરીને અંબાજી–સોમનાથની જેમ કરવામાં આવશે ડેવલપ
મહેસાણા કલેક્ટરની કચેરીમાં શ્રી બહુચરાજી માતા ટેમ્પલ ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી એમાં ઉપસ્થિત રહેલા ટ્રસ્ટીઓ.
અમદાવાદ ઃ ગુજરાતમાં એક પછી એક આદ્યશક્તિનાં સ્થાનોને નવાં રૂપરંગ અપાઈ રહ્યાં છે ત્યારે હવે ઉત્તર ગુજરાતમાં આવેલા આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમા બહુચર માતાજીના યાત્રાધામ બહુચરાજી મંદિરને નવેસરથી રીડેવલપ કરીને શિખર ૫૬ ફુટની ઊંચાઈએ લઈ જવાશે એટલું જ નહીં, બહુચરાજી શક્તિપીઠના મંદિર પરિસરને ‘બી’ કૅટેગરીમાંથી ‘એ’ કૅટેગરીમાં લઈ જઈને અંબાજી અને સોમનાથ મંદિરની જેમ સુવિધા ઊભી કરવામાં આવશે.
શ્રી બહુચર માતા ટેમ્પલ ટ્રસ્ટની ડેવલપમેન્ટ ઑફ બેચરાજી ટેમ્પલની મીટિંગ મહેસાણા કલેક્ટરની ઑફિસમાં સોમવારે મળી હતી. આ મીટિંગમાં ટ્રસ્ટી મંડળ દ્વારા લેવાયેલા નિર્ણયની વિગતો આપતાં ટ્રસ્ટી યજ્ઞેશ દવેએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘બહુચરાજી મુખ્ય મંદિરના શિખરની ઊંચાઈનો વિવાદ દૂર કરવા સમગ્ર મંદિરને નવેસરથી રીડેવલપ કરી શિખર ૫૬ ફુટની ઊંચાઈએ લઈ જવામાં આવશે. જૂનું મંદિર ૫૬ ફુટની ઊંચાઈવાળું હતું પણ એની હાઇટ ઘટાડીને ૪૯ ફુટ કરી હતી. જોકે હવે એને ફરી ૫૬ ફુટની ઊંચાઈ કરવાનો નિર્ણય કરાયો છે. ગુજરાતમાં અંબાજી, સોમનાથ મંદિર ‘એ’ કૅટેગરીમાં છે ત્યારે બહુચરાજી મંદિરને પણ એ કૅટેગરીમાં લઈ જઈને અંબાજી અને સોમનાથની જેમ ડેવલપ કરવામાં આવશે અને યાત્રિકો માટે સુવિધા વધારવામાં આવશે. મુખ્ય મંદિર પરિસર, ભોજનશાળા, યજ્ઞશાળા, માનસરોવર તળાવ તથા રેસ્ટહાઉસ અને પરિસરની આજુબાજુનો તમામ વિસ્તાર અંબાજી મંદિરના ધોરણે ડેવલપ કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે અને ટૂંક સમયમાં એની કામગીરી શરૂ થશે. મંદિરની ફરતે આવેલા કિલ્લાને–દીવાલને નવેસરથી ઓપ આપીને હેરિટેજ લુક આપવામાં આવશે. મંદિર પરિસરમાં એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે તેમ જ આદ્યશક્તિ બહુચરાજી માતાજીની સવાર અને સાંજની આરતી વેબસાઇટ દ્વારા ઑનલાઇન બતાવવામાં આવશે જેથી દેશવિદેશમાં રહેતા માઈભક્તોને આરતી અને દર્શનનો લાભ મળી શકે. વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ ભાવિકો માટે વ્હીલ-ચૅર અને લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવશે અને દર્શનમાં પણ અગ્રીમતા અપાશે. આ વર્ષે બહુચરાજી માતાજીના મંદિર પરિસરમાં નવરાત્રિનો ઉત્સવ ધામધૂમથી ઊજવવામાં આવશે.’
મંદિરના ટ્રસ્ટી અને ચૅરમૅન તેમ જ મહેસાણા કલેક્ટર ઉદિત અગ્રવાલ ઉપરાંત બલવંતસિંહ રાજપૂત, જયશ્રીબહેન પટેલ તેમ જ ટ્રસ્ટી મંડળના અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં રીડેવલપમેન્ટ માટેના નિર્ણય કરાયા હતા.