ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત્, જોકે બેત્રણ દિવસમાં ઠંડીમાંથી થોડીઘણી રાહત મળવાના સંકેત
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
અમદાવાદ : ગુજરાતમાં કડકડતી ઠંડી અને ઠંડાગાર પવનનો પ્રકોપ ગઈ કાલે પણ યથાવત્ રહેવા પામ્યો છે. એમાં પણ કચ્છમાં આવેલું નલિયા જાણે કે ગુજરાતનું કાશ્મીર બની ગયું છે. સતત ચોથા દિવસે ગુજરાતનું સૌથી વધુ ઠંડુંગાર નગર બની રહ્યું હતું. જોકે ગુજરાતના લોકો માટે કડકડતી ઠંડી ઉડાડતા રાહતના સમાચાર એ છે કે આગામી બેત્રણ દિવસમાં ઠંડીમાંથી થોડીઘણી રાહત મળે એવા સંકેતો હવામાન વિભાગે આપ્યા છે. શિયાળામાં ઠંડીના બીજા રાઉન્ડમાં ગુજરાતમાં કડકડતી ઠંડી ગઈ કાલે ચોથા દિવસે પણ બરકરાર રહેવા પામી હતી. એમાં પણ અમદાવાદ સહિત કેટલાંય સ્થળોએ સવાર-સવારમાં સુસવાટા મારતા ઠંડા પવનો વાતા નાગરિકો ઠંડીથી પરેશાન થયા હતા. કચ્છમાં ઠંડીનો પારો ગગડતાં નલિયા, રાપર, અબડાસા ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ડીસા તરફના ગ્રામીણ વિસ્તારમાં સવાર-સવારમાં વેહિકલ પર આછોપાતળો બરફ જામતો હોવાનું જાણવા મળ્યું છે.
નલિયામાં ગઈ કાલે ૩.૮ ડિગ્રી મિનિમમ તાપમાન રહેવા પામ્યું હતું. ગુજરાતનાં ૮ શહેરો અને બે જિલ્લામાં પારો ગગડીને ૧૦ ડિગ્રીથી નીચે ગયો હતો. ડીસામાં ૮.૮, ભુજમાં ૯.૨ ડિગ્રી મિનિમમ તાપમાન રહેવા પામ્યું હતું.