નરેન્દ્ર મોદીએ તેમની માતાએ બાળપણથી લઈને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તેમના બલિદાન વિશે આ વર્ષે ૧૮ જૂને એક બ્લૉગ લખીને જણાવ્યું હતું
તસવીર સૌજન્ય : એ.એન.આઇ
પીએમ નરેન્દ્ર મોદીનાં માતા હીરાબહેનનું ગઈ કાલે નિધન થયું હતું. પીએમ તેમની માતાથી ખૂબ જ ક્લોઝ હતા. તેમને માતાની નાનામાં નાની બાબત યાદ છે. આ યાદોને તેમણે ૨૦૨૨ની ૧૮ જૂને એક બ્લૉગમાં જણાવી હતી.
વડા પ્રધાને લખ્યું હતું કે ‘મા, એ ફક્ત એક શબ્દ નથી. જીવનની એ ભાવના છે જેમાં સ્નેહ, ધીરજ, વિશ્વાસ અને ઘણું બધું સમાયું છે. દુનિયાનો કોઈ પણ ખૂણો હોય, કોઈ પણ દેશ હોય, દરેક સંતાનના મનમાં સૌથી વધુ સ્નેહ માતા માટે હોય છે. મા ન ફક્ત આપણું શરીર ઘડે છે, બલકે આપણું મન, આપણું વ્યક્તિત્વ, આપણો આત્મવિશ્વાસ પણ ઘડે છે. પોતાના સંતાન માટે એમ કરતી વખતે પોતાનું જીવન હોમી દે છે અને પોતાની જાતને ભુલાવી દે છે.’
ADVERTISEMENT
તેમણે વધુમાં લખ્યું હતું કે ‘આજે મારા જીવનમાં જેકાંઈ સારું છે, મારા વ્યક્તિત્વમાં જેકાંઈ સારું છે એ મારી માતા અને પિતાજીને કારણે જ છે. આજે જ્યારે હું અહીં દિલ્હીમાં બેઠો છું ત્યારે ઘણું બધું જૂનું યાદ આવી રહ્યું છે. મારી માતા જેટલી સામાન્ય છે એટલી જ અસામાન્ય પણ છે. મારી માતાનો જન્મ મહેસાણા જિલ્લાના વીસનગરમાં થયો હતો. વડનગરથી એ વધારે દૂર નથી. મારી માતાને પોતાની માતા એટલે કે મારી નાનીનો પ્રેમ નહોતો મળ્યો. એક શતાબ્દી પહેલાં આવેલી વૈશ્વિક મહામારીની અસર એ સમયે વર્ષો સુધી રહી હતી. એ મહામારીએ મારી નાનીને પણ મારી માતા પાસેથી છીનવી લીધી હતી. માતા તો એ સમયે થોડા દિવસોનાં જ હતાં. તમે વિચાર કરો, મારી માતાનું બાળપણ મા વિના જ પસાર થયું, મારી માતા ભણી પણ શકી નથી. તેમણે સ્કૂલનો દરવાજો જોયો નથી. તેમણે તો માત્ર ગરીબી અને ઘરમાં દરેક પ્રકારનો અભાવ જ જોયો હતો. મારી માતાનું બાળપણ ખૂબ મુશ્કેલીઓ વચ્ચે પસાર થયું હતું.
બાળપણના સંઘર્ષોએ મારી માતાને ઉંમર કરતાં પહેલાં જ મોટી કરી દીધી હતી. તેઓ પોતાના પરિવારમાં સૌથી મોટાં હતાં. મૅરેજ થયાં તો પણ તેઓ સૌથી મોટી વહુ હતાં. બાળપણમાં જે રીતે તે પોતાના ઘરમાં બધાની ચિંતા કરતી હતી, બધાનો ખ્યાલ રાખતી હતી એવી જ જવાબદારી તેણે મૅરેજ પછી પણ ઉઠાવવી પડી હતી. વડનગરમાં અમે જે ઘરમાં રહેતાં હતાં એ ઘણું નાનું હતું. એ ઘરમાં કોઈ બારી નહોતી, બાથરૂમ નહોતું કે ટૉઇલેટ નહોતું. એક દોઢ રૂમનું માટીની દીવાલોનું માળખું જ અમારું ઘર હતું. મારા પિતાજી સવારે ચાર વાગ્યે ઘરથી કામ માટે નીકળી જતા હતા. માતાને પણ સવારે ચાર વાગ્યે જાગવાની આદત હતી. ઘર ચલાવવા માટે થોડા રૂપિયા વધારે મળે એ માટે માતા બીજાનાં ઘરે વાસણ પણ માંજવા જતી હતી. સમય કાઢીને ચરખો પણ ચલાવતી હતી. હું મારી માતાની આ જીવનયાત્રામાં દેશની સમગ્ર માતૃશક્તિનાં તપ, ત્યાગ અને યોગદાનનાં દર્શન કરું છું.’