Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > `સાંકડી શેરી`ના કવિ ચંદ્રકાન્ત શેઠે આજે જીવનને કહી દીધું `કોઈ નહિ રોકો આજ પંથ`

`સાંકડી શેરી`ના કવિ ચંદ્રકાન્ત શેઠે આજે જીવનને કહી દીધું `કોઈ નહિ રોકો આજ પંથ`

Published : 02 August, 2024 07:40 PM | Modified : 02 August, 2024 07:55 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

‘નંદ સામવેદી’ના ઉપનામથી જાણીતા ચંદ્રકાંત શેઠનું પૂર્ણ નામ ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ હતું. તેમનો જન્મ ૩ ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ પંચમહાલના કાલોલમાં થયો હતો

ચંદ્રકાન્ત શેઠ

ચંદ્રકાન્ત શેઠ


ગુજરાતી ભાષાના જાણીતા કવિ અને વિવેચક ચંદ્રકાન્ત શેઠ (Chandrakant Sheth)નું આજે અવસાન થયું છે. ચંદ્રકાન્ત શેઠ માત્ર કવિ તરીકે જ નહીં, પરંતુ અનુવાદક, સંપાદક અને નિબંધકાર તરીકે પણ જાણીતા હતા. સંપાદક અને નિબંધકાર ચંદ્રકાન્ત શેઠે આજે અંતિમ વશ્વાસ લીધા છે. તેમને ઉમાસ્નેહરશ્મિ પારિતોષિકથી લઈને દિલ્હી અકાદમીનો એવૉર્ડ પણ મળ્યો છે. તેમણે ‘ચાંદલિયાની ગાડી’ જેવો બાળકો માટે સંગ્રહ આપ્યો છે તો ‘ઊઘડતી દીવાલો’ સ્વરૂપે પ્રૌઢ સાહિત્યને પણ સમૃદ્ધ કર્યું છે.


‘નંદ સામવેદી’ના ઉપનામથી જાણીતા ચંદ્રકાંત શેઠનું પૂર્ણ નામ ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ (Chandrakant Sheth) હતું. તેમનો જન્મ ૩ ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ પંચમહાલના કાલોલમાં થયો હતો. ૧૯૫૪માં તેમણે મેટ્રિક, ૧૯૫૮માં બી.એ. અને ૧૯૬૧માં એમ.એ.ની પદવી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી. ૧૯૭૯માં તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી ઉમાશંકર જોશીના જીવન પર પીએચ.ડી. કર્યું હતું.



ચંદ્રકાંત શેઠ (Chandrakant Sheth) ન માત્ર કવિ, પરંતુ એટલા જ ઉત્તમ નિબંધકાર પણ હતા. તેમની કવિતાઓમાં ગ્રામ્ય સંવેદન તો સાવ હળવી શૈલીમાં ગૂઢાર્થ કહેવાની કસબ હતી. તેમના ગીતો તો માત્ર સાંભળતા જ રહીએ એવા લયબદ્ધ. કુમારમાં ‘મૂંગા તે કેમ રહેવું’ નામે પ્રથમ રચના છપાયા બાદ આ કવિનું સર્જન જરાય મૂંગું રહ્યું નહીં.


તેમણે ગુજરાતી સાહિત્યમાં ‘પવન રૂપેરી’, ‘ઉઘડતી દિવાલો’ અને ‘ધૂળમાંની પગલીઓ’ જેવી કૃતીઓ લખી છે. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર, રણજિતરામ સુવર્ણ ચંદ્રક, અને નરસિંહ મહેતા એવૉર્ડ સહિતના અનેક પુરસ્કારો મળ્યા છે, જે નીચે મુજબ છે.

  • કુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૬૪)
  • નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૮૩)
  • રણજિતરામ સુવર્ણ ચંદ્રક (૧૯૮૫)
  • ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક (૧૯૮૪-૮૫)
  • સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૬)
  • ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક (૧૯૮૬)
  • નરસિંહ મહેતા એવૉર્ડ (૨૦૦૫)
  • સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૨૦૦૬)

આ પણ વાંચો: કવિવાર: ‘હું ને મારી આંખ વચાળે ખારા જળનો દરિયો’ એટલે ચંદ્રકાન્ત શેઠનું શબ્દલોક

માણો તેમની ઉત્તમ રચનાઓ:

સાંકડી શેરી

"સાંકડી શેરીમાં આકાશ વેચવા નીકળેલો હું !

મને સાંકડી શેરીના લોકોએ ગાંડો માન્યો,

મારો હુરિયો બોલાવ્યો,

મને ધક્કે ચડાવ્યો,

મને પથ્થર માર્યા,

મારાં લૂગડાં ફાડ્યાં,

મારી મુઠ્ઠી છોડાવવા પ્રયત્ન કર્યો,

પણ આકાશ ઓછું જ હોઈ શકે મુઠ્ઠીમાં ?

બિચારા સાંકડી શેરીના લોકો!

એમને ખબર નથી

કે આકાશ કંઈ ખિસ્સામાં, પોટલીમાં કે પેટીમાં કે મુઠ્ઠીમાં આવી શકતું નથી !

આકાશ તો એમની આંખોના ઢળેલાં પોપચાં ઊંચાં કરીને હું બતાવવાનો હતો.

આકાશ તો એમને મળવાનું હતું એમનું એમ !

આકાશ વેચવાનું તો એક બહાનું જ હતું માત્ર !

પણ સાંકડી શેરીના લોકો !

મને શેરી બહાર કાઢી

સૂઈ ગયા બારી-બારણાં વાસી ગોદડામાં મોં ઘાલી.

હું ફરીથી ઘસડાતો ઘસડાતો

આકાશ આજે નહીં તો કાલે વેચાશે એવી આશાએ સંકલ્પપૂર્વક લેવા લાગ્યો સુદીર્ઘ શ્વાસ !

આ તો સાંકડી શેરીના લોકો

ને આકાશનો સોદો !

સહેજમાં પતે કે?

ઉલ્લેખનીય છે કે, કવિ, નિબંધકાર, વિવેચક તરીકે તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. કવિતામાં સંવેદન અને અભિવ્યક્તિ પરત્વે આધુનિક મિજાજ દાખવે છે. નિબંધોમાં પણ તેમની આગવી મુદ્રા જોઈ શકાય છે. વિવેચનમાં તેમનો અભિગમ આસ્વાદાત્મક છે. તેને કારણે કોઈ પણ કૃતિ વિશેની ચર્ચા રસાળ બને છે. તેમની પાસેથી સંપાદનો અને અનુવાદો પણ મળે છે.

Whatsapp-channel Whatsapp-channel

02 August, 2024 07:55 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK